પ્રોફેસર એવું તે શું બોલ્યા કે વર્ગખંડમાં છોકરીઓ એકાએક રડવા લાગી ?

વફા - એક પ્રેમ કહાની ( ભાગ-4)

પ્રોફેસર એવું તે શું બોલ્યા કે વર્ગખંડમાં છોકરીઓ એકાએક રડવા લાગી ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ : (ભાગ : 4 ) : યુવાન બસ માંથી નીચે ઉતર્યો.એક એવી ધરતી ઉપર એને પગ મૂક્યો જ્યાં આવવાની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.કદાચ એનું નસીબ એને અહીં સુધી ખેંચી લાવ્યું હશે.નસીબના ખેલમાં અટવાયેલ યુવાન માટે આ શહેર બિલકુલ અજાણ્યું હતું.કાંઈ સમજ નહોતી પડતી કે હવે શું કરવું.બેગ માંથી એક કાગળ કાઢી જોયું તો બરાબર 7:30 કલાકે એ યુવાને નિર્ધારીત સ્થળ ઉપર હાજર થવાનું હતું.એટલે ફ્રેશ થવા એણે બસ સ્ટેન્ડ પાસેની એક સામાન્ય ગેસ્ટ હાઉસ ધરાવતી હોટેલનો આશરો લીધો.હોટેલ પરથી ફ્રેશ થઈ લગભગ સવારે 6:30 કલાકે યુવાન ઉપડ્યો.એક ઓટો ચાલકને એડ્રેસ પૂછ્યું તો જાણવા મળ્યું કે બસ સ્ટેશન થી સ્થળ બહુ દૂર છે.છેવટે એણે સ્પેશ્યલ રીક્ષા લઈ જવાનો ભાવ પૂછ્યો.રીક્ષા ચાલકે કહ્યું 50 રૂપિયા થશે.અને યુવાન ઓટો માં બેસી ગયો.ઓટો ઉપડી.
 
ઓટો ડ્રાઇવરે યુવાનના ચહેરા પરની મૂંઝવણ જોઈ પૂછ્યું, " આ શહેરમાં નવા આવ્યા છો ? કોઈ ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ? " અને તરત જ પેલો યુવાન સહેજ અચકાતાં બોલ્યો, "  હા નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવ્યો છું. પણ...." ઓટો ચાલકે પૂછ્યું, " શુ પણ ? " યુવાને કહ્યું જો અહીં નોકરી મળે તો પણ રોકાવું ક્યાં એ મોટો સવાલ છે.દૂર ના સંબંધી અહીં રહે છે પણ બીજાને તકલીફ આપવાનું મને ઉચિત નથી લાગતું. ઓટો ચાલકે હમદર્દી દાખવતાં કહ્યું , " નસીબ થી મોટું કોઈ નથી, જેના જ્યાં અન્ન પાણી લખ્યા હોય ત્યાં જ એનું નસીબ એને ખેંચી જાય છે.એટલે ચિંતા છોડો." યુવાન ગામડા નો હતો એટલે સહેજ ગભરુ દેખાતો હતો.પણ ઓટો ચાલક એક નેક ઇન્સાન હતો.એટલે એણે યુવાન ને થોડી હિંમત આપી.વાતો વાતો માં જે એડ્રેસ પર પહોંચવાનું હતું એ સ્થળ આવી ગયું.ઓટો થોભી.ચાલકે કહ્યું લો આવી ગયું તમારું સ્ટેશન.અને યુવાને ખિસ્સા માંથી 50 રૂપિયા કાઢી ભાડું આપ્યું. ઓટો ચાલક બીજા પેસેન્જરની શોધમાં નીકળી ગયો.આ બાજુ યુવાને આમ તેમ જોયું.સામે એક ચાની લારી દેખાઈ.સવાર ની ચા ની ચુસ્કી લેવા યુવાન ચા ની લારી પહોંચ્યો.એક કટીંગ ચા પીતા પીતા મોબાઈલ ની ઘડિયાળમાં જોયું તો 7:10 થઈ ગઈ હતી.યુવાન ચા પી સામે દેખાતી કોલેજ તરફ ગયો.કોલેજ ના દરવાજા બંધ હતા પણ કોલીજીયનો આમ તેમ જોવા મળી રહ્યા હતા.
એમ પણ શહેરમાં વહેલી સવારે વાહન ચાલકોની ભીડ નથી હોતી.ખાસ કરી વહેલી સવારે નોકરી ધંધે જનારા લોકો અને સ્કુલ વેન, સ્કુલ બસ તેમજ કોલેજીયન વિદ્યાર્થીઓ રસ્તાઓ ઉપર વધારે જોવા મળે છે.યુવાન બરાબર કોલેજના દરવાજા પાસે જઇ ઉભો રહ્યો. લોકો ની અવર જવર વચ્ચે યુવાન ત્યાંથી પસાર થઈ રહેલા કોલેજીયનો ને જોઈ થોડી વાર માટે પોતાના કોલેજના દિવસોની યાદ માં ડૂબી ગયો ત્યાં જ એક ગાડી નું હોર્ન વાગતાં યુવાન સતર્ક બની ગયો.ગાડીમાં ડ્રાઇવર ઉપરાંત એક આધેડ અને એક યુવતી હતાં. આધેડની ઉંમર આશરે 50-55 વટાવી ચૂકી હશે.ડ્રાઇવરે યુવાનને રસ્તા માંથી સહેજ ખસવાનો ઈશારો કરવા હોર્ન વગાડ્યું હતું.
 
યુવાન સહેજ ખસ્યો.કોલેજનો દરવાજો ખુલ્યો.કાર સીધી કોલેજમાં ગઈ.કોલેજનો દરવાજો ખૂલતાં હવે વિદ્યાર્થીનીઓ પણ કોલેજ માં  જઇ રહી હતી.માત્ર છોકરીઓ જ દેખાતી હતી.એક પણ છોકરો નહિ એટલે યુવાને અંદાજ લગાવ્યો કે કદાચ આ ગર્લ્સ કોલેજ હશે.યુવતીઓ પોતાના ટુ વ્હીલર લઈ તો કેટલીક યુવતીઓ ચાલતા ચાલતા કોલેજમાં પ્રવેશ કરી રહી હતી. યુવાન કોલેજમાં જનાર વિદ્યાર્થીનીઓના પહેરવેશ ને બરાબર નીરખી રહ્યો હતો.કોલેજની વિદ્યાર્થીનીઓનો પહેરવેશ એકદમ મોર્ડન હતો.પહેરવેશ અને યુવતીઓના ખભે લટકાવેલ બેગ જોઈ એમ લાગતું હતું કે જાણે આ લોકો અભ્યાસ કરવા નહિ બલ્કે કોઈ શોપિંગ મોલમાં ખરીદી કરવા જઈ રહ્યાં હોય ! 
 
યુવાને મોબાઈલ માં જોયું તો 7:25 થઈ હતી.કોલેજનો એક બાજુનો દરવાજો બંધ થયો.યુવાને 7:30 કલાકે કોલેજના પ્રિન્સિપાલની ઓફિસમાં પહોંચવાનું હતું.પણ એ હજુ બહાર દરવાજે ઉભો હતો. ત્યાં ટુ વ્હીલર લઈ એક છોકરી આવી.એકદમ સાદા પહેરવેશમાં હતી.એનું લલાટ એની તેજસ્વીતાની સાક્ષી પૂરતું હતું.ચહેરા પરની સાદગી એના નમ્રતા ભર્યા સ્વભાવનો પરિચય આપતી હતી.કોલેજનો એક ગેટ બંધ હોવાથી યુવતીએ ગાડી ધીમી કરી ત્યાં પેલા યુવાને થોડી ગભરાહટ સાથે પૂછ્યું કે, " એક્સ્ક્યુઝમી, પ્રિન્સિપાલ સર કેટલા વાગે આવે છે ? " પેલી યુવતી ઝડપી બોલી કે સર આવે પછી જ દરવાજો ખુલે છે.દરવાજો ખુલ્લો છે એટલે સમજો કે સર આવી ગયા છે." અને પેલી યુવતી ઝડપથી વાહન હંકારી અંદર પ્રવેશી.પેલો યુવાન સમજી ગયો કે પ્રથમ જે કાર આવી હતી એ જ પાઠક સર હોવા જોઈએ. કોલેજના પ્રિન્સિપાલ જ માત્ર આ ગેટ થી આવતા.બાકીના પ્રોફેસરો પાછળના ગેટ થી એન્ટ્રી કરતા હતા.
દરવાજાની બહાર ઉભેલો યુવાન જેવો અંદર પ્રવેશ્યો કે તરત જ ગેટ કીપરે અટકાવી ઔપચારી એન્ટ્રી કરી પછી આંગળીનો ઈશારો કરી પ્રિન્સિપાલ ની ઓફીસ તરફ જવા કહ્યું.યુવાન પ્રિન્સિપાલ ની ઓફીસમાં પ્રવેશવા જઈ રહ્યો હતો ત્યાં પટાવાળાએ અટકાવી પૂછ્યું, " બોલો કોનું કામ છે?" યુવાને જવાબ આપ્યો કે, " પ્રિન્સિપાલ સર ને મળવાનું છે.ઇન્ટરવ્યૂ માટે આવ્યો છું." પટાવાળાએ કહ્યું, "થોભો સાહેબને જાણ કરું છું." એમ બોલી પટાવાળો પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો. થોડીક વારમાં બહાર આવ્યો અને યુવાનને ઓફિસની અંદર જવા માટે કહ્યું. પ્રિન્સિપાલે સામેની સીટ પર યુવાનને બેસવા માટે કહ્યું. પછી તેઓ પોતાની ખુરશી ઉપરથી ઉભા થઈને બહાર ગયા. થોડીવાર બાદ તેઓ ફરીથી ઓફિસમાં આવ્યા અને યુવાન સાથે વાત કરવા લાગ્યા. યુવાન સાથે થોડી વાતચીત કરી તેના સર્ટિફિકેટ જોયા બાદ પ્રિન્સિપાલે યુવાનને પોતાનો બેગ ઓફિસમાં જ રાખવા કહ્યું અને યુવાનને કોલેજના એક વર્ગખંડ તરફ લઈ ગયા. યુવાન થોડીક વાર માટે મૂંઝવણમાં મુકાઈ ગયો. પ્રિન્સિપાલ ની ઓફિસથી ત્રીજા નંબરના વર્ગખંડ આગળ જઈને પ્રિન્સિપાલ સર થોભી ગયા અને તેમણે યુવાનને વર્ગખંડમાં જઈ ડેમો લેક્ચર લેવા માટે કહ્યું.
 
યુવાન વર્ગખંડમાં પ્રવેશ્યો.સાથે પ્રિન્સિપાલ પણ પ્રવેશ્યા.બંને ના પ્રવેશતા ની સાથે જ વર્ગખંડમાં બેસેલી વિદ્યાર્થીનીઓએ શિષ્ટાચાર ના ભાગરૂપે સવારની શુભેચ્છા પાઠવતા "ગુડ મોર્નિંગ સર " કહ્યું અને પછી વિદ્યાર્થીનીઓ બેસીને અંદરો અંદર ગુસપુસ કરવા લાગી. પ્રિન્સિપાલ સાહેબે યુવાનનો પરિચય આપી અને જણાવ્યું કે, " આ આપના અંગ્રેજીનાં નવા પ્રોફેસર છે." પછી ઔપચારિક માહિતી અને સૂચનાઓ આપી પ્રિન્સિપાલ વર્ગખંડની બહાર નીકળ્યા. યુવાન વર્ગ ખંડ નું બારણું બંધ કરી થોડોક સમય માટે મૌન  બનીને ઉભો રહ્યો અને દરેક વિદ્યાર્થીની ને જોઈ રહ્યો. જ્યારે આ યુવાન કોલેજના ગેટ આગળ ઊભો હતો ત્યારે ત્યાંથી પસાર થનાર અનેક વિદ્યાર્થીનીઓના ચહેરા વર્ગખંડમાં તેને જોવા મળ્યા.
છોકરીઓના ચહેરા જોઈ યુવાનને અંદાજ આવી ગયો હતો કે કદાચ આજે પહેલા દિવસે છોકરીઓ તેની મજાક કરશે.એટલે યુવાને જમણા હાથની બે આંગળીઓ વડે ચપટી વગાડી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને એક વિદ્યાર્થીની ને ઉભી કરી અભ્યાસક્રમ અંગે પૂછ્યું.પછી કહ્યું, " લેટ્સ સ્ટાર્ટ આર ન્યુ લેશન, 'ડોટર્સ લવ ફોર ફાધર'.આર યુ રેડી ? " સામેથી જવાબ આવ્યો, " યસ સર " અને નવા પ્રોફેસરે સ્ટોરી શરૂ કરી.યુવાન સ્ટોરી કહેતી વખતે તેના ચહેરાના ભાવ ઉપરાંત શબ્દો ના લય એવી રીતે કાઢતો હતો જાણે થિયેટરમાં કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય.તમામ વિદ્યાર્થીનીઓ એકી ટશે જોઈને સાંભળી રહી હતી.વાર્તા ને આ યુવાને એટલી બધી જીવંત અને ઇમોશનલ બનાવી દીધી હતી કે સાંભળી રહેલ વિદ્યાર્થીનીઓ માંથી કેટલાકની આંખોમાં આંસુ નીકળી ગયા.બે તાસ પૂર્ણ થયા પણ કોઈ કાંઈ બોલવાનું નામ નહોતું દેતું.ત્યાં અચાનક પટાવાળા એ દરવાજો ખખડાવ્યો. યુવાને દરવાજો ખોલ્યો.પટાવાળા એ પ્રોફેસર ને લેક્ચર પૂર્ણ થયાની જાણ કરી પ્રિન્સિપાલની ઓફીસ પાસે બેસવા માટે જણાવ્યું.યુવાન વર્ગખંડ માંથી બહાર નીકળી પ્રિન્સિપાલની ઓફીસ આગળ બેઠો,ત્યાં વર્ગખંડ માંથી બે વિદ્યાર્થીનીઓ પ્રિન્સિપાલની ઓફીસ માં જતી જોઈ.આ બંને ના ચહેરા યુવાને સવારે ગેટ પાસે ઉભો હતો ત્યારે જોયા હતા જેમાં એક પ્રિન્સિપાલની કાર માં હતી એ છોકરી હતી અને બીજી એ જેને યુવાને પ્રિન્સિપાલ વિશે પૂછ્યું હતું.બંને માંથી એક ની આંખમાં હજુ પણ આંસુ હતા. છોકરીઓ પ્રિન્સિપાલની ઓફિસમાં થી બહાર નીકળી પછી બેલ વાગ્યો અને પટાવાળા એ યુવાનને ઓફિસમાં જવા ઈશારો કર્યો.
 
પ્રિન્સિપાલ થોડા ગુસ્સે થઈ કહ્યું, " મિસ્ટર સાગર, તમે વિદ્યાર્થીનીઓને એવું તે શું ભણાવ્યું કે વિદ્યાર્થીઓ રડી રહી છે ? " અને સાગર ઢીલો થઈ ગયો, મનોમન વિચાર્યું કે નોકરી હાથ માંથી ગઈ.પછી સાગરે ધીમા સ્વરે કહ્યું, " સોરી સર, બટ મેં તો એમની ટેક્સ્ટ બુક ની માત્ર હજુ એક સ્ટોરી જ કરી છે, હું કોઈને હજુ ખીજાયો પણ નથી કે કાંઈ કીધું પણ નથી, આઈ એમ અગેઇન સોરી સર." ત્યાં જ પેલા પ્રિન્સિપાલ સાગરના ચહેરાના હાવભાવ જોઈ બોલી ઉઠ્યા, " ડોન્ટ વોરી, માય બોય, જુસ્ટ જોક.યુ આર એક્સીલેન્ટ ટીચર.આજ સુધી ક્યારેય કોઈ અંગ્રેજી પ્રોફેસરને મેં આવી રીતે ભણાવતા જોયા નથી એનો અફસોસ છે.તારું પર્ફોમન્સ ખૂબ સુંદર છે.વિદ્યાર્થીનીઓ ખૂબ ખુશ છે.બીજું કે તમારી પરીક્ષા કરવા મેં એફ.વાય.અને એસ.વાય. એમ બે વર્ષ ની વિદ્યાર્થીનીઓને ભેગી બેસાડી હતી. જે વિદ્યાર્થીનીઓ ગયા વર્ષે આ સ્ટોરી ભણી હતી તેમાંની એકે મને જણાવ્યું કે,  " આટલી બધી સુંદર સ્ટોરી અમને અગાઉ પણ ભણવા મળી ન હતી. આજે સરે જે સ્ટોરી કરી એ સાંભળી અમારી નજર સમક્ષ આખું ચિત્ર દેખાતું હતું." જો કે પ્રિસિપાલ થોડા રમૂજી સ્વભાવના હતા.એમણે સાગરને કહ્યું કે તમારું સિલેક્શન થઈ ગયું છે.આજથી તમારી નોકરી પાક્કી સમજો.જાઓ ડોક્યુમેન્ટ ક્લાર્ક ઓફિસમાં મિસ્ટર મહેતા પાસે સબમીટ કરાવી આવો.સાગરે કહ્યું, " થેંક્યું સર " અને ઉભો થઇ ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે ગયો.પછી સાગર પ્રિન્સિપાલ ની ઓફિસમાં ગયો.પ્રિન્સિપાલે સાગરને તેના લેક્ચર અંગે માહિતી અને શિડયુલ સમજાવ્યું અને પૂછ્યું કે સાગર તમે તો ગામડેથી છેક અહીં આવ્યા છો તો અહીં ક્યાં રોકાયા છો ? શુ કોઈ સંબંધી છે આ શહેરમાં ? " સાગર નિસાસો નાખી થોડું અચકાતાં બોલ્યો " સર, દૂરના એક સંબંધી છે પણ હું હાલમાં એક ધાર્મિક સંસ્થાના ગેસ્ટ હાઉસમાં જ રોકાઈશ પછી થોડા દિવસમાં કઈક વ્યવસ્થા ગોઠવીશ." તરત જ પ્રિન્સિપાલ બોલ્યા, " નો માય બોય, આજે તારે મારા ઘરે રોકાવાનું છે.એમ પણ મારા બંગલામાં માત્ર હું અને મારી દીકરી જ રહીએ છીએ.આજે રાતનું ડિનર સાથે લઈશું.કોલેજ અવર્સ પુરા થાય પછી મારી સાથે કારમાં બેસી તમે ઘરે આવો." સાગર બોલ્યો, " બટ સર, હું મારી..." ત્યાં જ પ્રિન્સિપાલ બોલ્યા, " નો આરગ્યુમેન્ટ માય બોય, ઇટ્સ માય ઓર્ડર." સાગરે કહ્યું ઓકે સર, એઝ યુ વિશ. એન્ડ થેન્કસ ટુ શેલ્ટર મી."
                                                    - જશવંત પટેલ
વધુ આવતા અંકે.....
-  પ્રિન્સિપાલે કેમ પ્રોફેસર સાગરને તેમના ઘરે રોકાવા કહ્યું ? એ રહસ્ય જાણવા વાંચો આગળનો એપિસોડ.