....અને જુહી ની માંગમાં સિંદૂર ભરાઈ ગયું, આંખોમાં આંસુ આવી ગયા પણ...હવે શું ?
વફા - એક પ્રેમ કહાની
Episode -3 (જશવંત પટેલ) : રાતના લગભગ 11:30 વાગ્યાનો સમય થયો હતો છતાં શહેર હજુ પણ કૃત્રિમ પ્રકાશની રોશની માં ધબકતું હતું. ધીમે ધીમે બસ ટ્રાફિક ને ચીરીને શહેર માંથી બહાર નીકળી ગઈ. યુવાન ની નજર સમક્ષ થી અંજલી તો અદ્રશ્ય થઈ ગઈ પરંતુ અંજલીના ચહેરાએ આ યુવાનના માનસપટલ પર ભૂતકાળ બની ગયેલી સ્મૃતિઓને પુનઃ જીવિત કરી દીધી.
અંજલી નો ચહેરો એ યુવતી જેવો હતો જેને આ યુવાન જુહી કહીને બોલાવતો.જુહી ગામડાની એ યુવતી હતી જેણે નજરો ના વાર કરી યુવાનના હૃદયમાં ઊંડે ઊંડે રહેલ શુષ્ક લાગણીઓને ભીંજવી હતી.જુહી દેખાવમાં ખૂબ જ સુંદર હતી.તે જમાનાની એક સુંદર એક્ટ્રેસ જેવી દેખાતી હતી.જ્યારે ઘરે થી નીકળે ત્યારે અવાર નવાર ઝુલ્ફો માં લાલ ગુલાબનો ગોટો લગાવવાનો એને ભારે શોખ હતો.ખાસ કરીને બ્લેક ડ્રેસમાં ખૂબ જ આકર્ષક લાગતી.એની એક ઝલક જોવા સાગર હિલોળા મારતો. આ યુવાન જ્યારે એની શેરીમાં રહેવા ગયો ત્યારે પહેલી વાર એણે જુહીને જોઈ હતી પણ ખાસ નોંધ લીધી નહતી.જો કે એક જ શેરીમાં રહેતાં હોઈ અવાર નવાર એકબીજા સાથે આંખો નો પરિચય તો થયા કરતો પણ યુવાન એ વખતે વિદ્યાભ્યાસ ના ચોક્કસ લક્ષ પર હતો.એટલે એ જુહીને જાજો રિસ્પોન્સ આપતો નહી.
બંને કોલેજ સવારે સાથે એક જ બસમાં જતાં એટલે અવાર નવાર આગળ પાછળ ની સીટ માં બેસવાનું થતું.કોઈ વાર સામાન્ય વાતચીત પણ થતી.તો વળી આખી શેરીમાં માત્ર જુહી ના ઘરે જ ન્યુઝ પેપર આવતું એટલે છાપું વાંચવા ના બહાને પણ અવાર નવાર એના ઘર પાસે બેસવાનું થતું તો વળી ક્યારેક જુહીના મોટા ભાઈ સાથે બેસતાં ઉઠતાં હોઈ એના ઘરે પણ જવાનું થાય તો ચા પીવા મળતી.જુહી ખાસ જાતે જ ચા બનાવી ને આપતી. એટલે બસમાં કોઈ કોઈ વાર સાથે હોય તો એના હાથની ચા ના સ્વાદ ના વખાણ પણ થઈ જતા.એના હાથની ચા નો સ્વાદ આજે પણ યુવાનના મોંમાં પાણી લાવી દેતો હતો.જો કે બંને વચ્ચે ઔપચારિક વાતો થતી પણ ક્યારેય અંતરના એકાંતમાં છુપાયેલી ઈચ્છા એકબીજા સામે વ્યક્ત કરી શકયાં ન હતાં.
જો કે એ જમાનામાં મોબાઈલ ક્રાંતિ થઈ હતી.પહેલી વાર લોકોના હાથમાં મોબાઈલ ફોન જોવા મળતા હતા.ખાસ કરી સુખી લોકો ના ઘરે લેન્ડ લાઇન ફોન તો પહેલેથી જ હતા.પણ મોબાઈલ ક્રાંતિ થતાં હવે સામાન્ય લોકો પાસે પણ મોબાઈલ આવી ગયો હતો.પણ ફોન કરવા દસ વાર વિચાર એટલા માટે કરવો પડતો હતો કારણ કે એ વખતે ઇનકમિંગ અને આઉટ ગોઇંગ બન્ને નો ચાર્જ લાગતો.ઇનકમિંગ કરતાં આઉટ ગોઇંગ નો ચાર્જ ડબલ હતો.
જુહી ના ઘરે લેન્ડ લાઇન ફોન હતો.જુહીએ અભ્યાસ છોડી દીધો હતો એટલે એ આખો દિવસ ઘરે જ રહેતી.એટલે હવે જુહી સાથે વાત બહુ ઓછી થતી.હા શેરી માંથી સવારે વહેલા કોલેજ જવાનું થાય ત્યારે જુહી દરવાજા પાસે કે ઘરની બહાર સફાઈ કરતી નજરે ચડે એટલે યુવાન સહજ રીતે પૂછતો, "હાલો કોલેજ " જુહી નિરાશ થઈને બોલતી, " બસ હવે એવા નસીબ ક્યાં છે." જુહીનો અભ્યાસ છોડી દેવા પાછળ નું કારણ એની મમ્મી ની બીમારી હતી.એના મમ્મી થી ઘરનું કામ થતું ન હતું એટલે એણે કોલેજ જોઈન કર્યાના માત્ર છ માસ મા જ અભ્યાસ છોડી દીધો હતો.એમ પણ જુહી કલા પ્રેમી અને અંતર્મુખી હતી.
માતા માટે પોતાના અભ્યાસ નું બલિદાન આપનાર જુહી પ્રત્યે હવે યુવાનની લાગણીઓ વધુ તીવ્ર બની હતી.આવી યુવતી જેના નસીબમાં હશે એ કેટલો ભાગ્યશાળી વ્યક્તિ હશે એ વિચાર યુવાનને ઊંડા વિચારોમાં ગરકાવ કરી દેતો હતો.એને જુહી ને પોતાના દિલની વાત કહેવાનો હવે પ્રયત્ન કરવો જોઈતો હતો.પણ ગામડામાં કોઈ યુવાન કે યુવતી એ જમાનામાં આવી હિંમત કરતાં નહીં.મર્યાદાઓ અને મા-બાપની આબરૂનો વિચાર પહેલા આવતો એટલે ભલે લાગણીઓના સાગર સુકાઈ જાય પણ એને કોઈ નાજાયજ સંબંધો થી ભીંજાવવા નું સાહસ કરવાની હિંમત ભાગ્યે જ કોઈ કરતું.
એકાદ વર્ષ વીતી ગયુ. કોલેજ નું પ્રથમ વર્ષ પૂર્ણ થઈ ગયું.પરિણામ આવવાની ખબર જુહી એ યુવાનને આપી કારણ કે એના ઘરે ન્યુઝ પેપર આવતું હતું.એ જમાનામાં સુખી લોકો જ ઘરે છાપું મંગાવતા.જુહીએ કહ્યું આજે પરિણામ આવ્યું છે.અને યુવાને તરત જ છાપું માગ્યું.ઘરમાં બેસેલ એના મમ્મીએ ઘરમાં આવવા બૂમ પાડી.યુવાન ઘરમાં ગયો.ખાટલા માં બેસી છાપું જોયું તો બી.એ.ના પ્રથમ વર્ષનું પરીણામ હતું.જુહી ચા બનાવી લાવી.યુવાન ચા પીતો હતો ત્યાં જ જુહીએ છાપું લઈ સીટ નંબર પૂછ્યો.જુહી એ ધ્યાનથી છાપું જોવાનું શરૂ કર્યું ત્યાં હવે ચા પીવાઈ ગઈ હતી એટલે યુવાન પણ હવે છાપામાં નંબર શોધવા લાગ્યો.છેવટે જુહી એ કહ્યું જો આ રહ્યો.જોયું તો ફર્સ્ટ કલાસ હતો.યુવાન ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ.જુહી પણ હસતા હસતા બોલી 'અભિનંદન.'
બસ આ છેલ્લી મુલાકાત હતી.કારણ કે થોડા દિવસો વીત્યા બાદ જ્યારે યુવાન જુહીના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સાંજના ના સમયે બહાર બેસેલ જુહી ના મમ્મીએ યુવાનને બોલાવી કહ્યું કે, કાલે કોલેજ જાઓ તો થોડો સામાન લેતો આવજે ને.ત્યારે વસ્તુઓના નામ ની યાદી જાણી યુવાને સહજતાથી પૂછ્યું કે કેમ કોઈ પ્રસંગ છે કે શું ? તો એના મમ્મી બોલ્યા કે હા જુહી ને જોવા કાલે મહેમાન આવવાના છે.અને આ વાક્ય સાંભળી યુવાન થોડો સમય તો વિચારહીન બની ગયો.પછી બોલ્યો સારું કાલે સવારે જઈશ ત્યારે લિસ્ટ અને બેગ લેતો જઈશ.
બસ પછી તો બીજા દિવસે બપોરે શુભ મૂહુર્ત માં જુહીની સગાઇની રસમ પૂરી થઈ ગઈ.સગાઇ ના માત્ર બે મહિના બાદ જુહી ની માંગ માં કોઈના નામનું સિંદુર ભરાઈ ચૂક્યું હતું.છેવટે બન્ને પક્ષે દિલના અરમાનો અધૂરા રહી ગયા હતા.યુવાન ભૂતકાળ માંથી પાછો ફર્યો.બસ હવે શહેરમાં પ્રવેશી. યુવાનની આંખ સહેજ ભીંજાઈ.ભૂતકાળમાં ડૂબેલ યુવાન એકાએક આંખો માં આવેલ આંસુને લૂછી ને થોડો સરખો બેઠો.મુસાફરી દરમ્યાન ભૂતકાળના સંસ્મરણોમાં તે એટલો બધો ડૂબી ગયો હતો કે એનું આખરી સ્ટેશન આવી ગયું એની ખબર જ ના પડી.મોબાઇલની ઘડિયાળમાં જોયું તો સવારના 5 વાગ્યા હતા.