સફળ સ્રી પાછળ પુરુષનો હાથ : પતિ-પત્નીના જીવનનો આ કિસ્સો જાણી તમે પણ કહેશો, ' રામ-સીતા ની જોડી '
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવા અનેક કિસ્સા આપણને અવારનવાર સાંભળવા મળતા હોય છે પરંતુ એક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષનો હાથ હોય એવા કિસ્સા ખૂબ જ ઓછા હોય છે. પરંતુ ઊંઝામાં એક આવો જ કિસ્સો બહાર આવ્યો છે જેમાં ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદેે બિરાજમાન થનાર સીતાબેન પટેલ (ઉપકાર) ની સફળતા પાછળ તેમના પતિ વિપુલભાઈ પટેેેલ (ઉપકાર) નો સિંહ ફાળો રહેલો છે.
તાલુકાના ઉનાવા ગામ ના સીતાબેન પટેલ(ઉપકાર) પોતે એમ.કોમ એટલે કે અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે તેઓ એક શિક્ષિત મહિલા છે અને હાલમાં સીતાબેન પટેલ ઊંઝા તાલુકા પંચાયતનાં પ્રમુખ છે. આપને જણાવી દઇએ કે સીતાબેન ના પતિ વિપુલભાઈ પટેલ (ઉપકાર) પણ ગત ટર્મમાં ઊંઝા તાલુકા પંચાયતનું પ્રમુખપદ સંભાળી ચૂક્યા છે.
સીતાબેન પટેલ મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં જણાવે છે કે જ્યારે તેઓ અભ્યાસ કરતાં હતાં ત્યારે વર્ગખંડમાં મોનિટર ની જવાબદારી નિભાવતાં. આમ વિદ્યાર્થીકાળથી જ લીડરશીપનો ગુણ તેમના સ્વભાવ સાથે વણાઈ ગયો હતો. સીતાબેન નું નસીબ એમનાથી એક કદમ આગળ ચાલતું હતું એટલે તેમના લગ્ન પણ એવી વ્યક્તિ સાથે થયાં કે જેઓ રાજકારણમાં સક્રિય હતા અને એના પરિણામે સીતાબેનમાં તેમનો વિદ્યાર્થી કાળનો જે લીડરશીપ નો ગુણ હતો તે પુનઃ જાગૃત થયો અને તેમને તેમની કારકિર્દી આગળ ધપાવવાનું એક નવું પ્લેટફોર્મ મળી ગયું.
સીતાબેન ના પતિ વિપુલભાઈ પટેલ ( ઉપકાર ) અપક્ષમાંથી તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલ ની કામગીરી થી પ્રભાવિત થઈ તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો અને તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા. જોકે તેમના કાર્યકાળ દરમિયાન ઊંઝા તાલુકા પંચાયતને 'પંડિત દિન દયાલ પંચાયત સશક્તિકરણ' એવોર્ડ પ્રાપ્ત થયો હતો. વિપુલભાઈ પટેલે આ એવોર્ડ પ્રાપ્ત કરવા પાછળનો તમામ શ્રેય તાલુકા વિકાસ અધિકારી રાજુભાઇ પટેલ અને કર્મચારીઓને આપે છે.
વિપુલભાઈ જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ પદે હતા ત્યારે તેમના ધર્મ પત્ની અને હાલના વર્તમાન તાલુકા પંચાયત પ્રમુખ એવા સીતાબેન દરેક કામમાં સતત એમની પડખે ઉભાં રહેતાં. જોકે વિપુલભાઈએ તેમના ધર્મ પત્ની સીતાબેન ને એક વચન આપ્યું હતું કે, " જે ઊંચાઇ ઉપર, જે પદ પર હું બેઠો છું એ પદ પર એ હોદ્દો એક દિવસ તને પણ અપાવીશ " અને નસીબ જાણે એમની સાથે હોય તેમ આજે સીતાબેન પણ ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદે બિરાજમાન થયા છે. જોકે આવું નસીબ ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થતું હોય છે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ કિસ્સો હશે જેમાં પતિ-પત્ની બંને એકસરખા રાજકીય હોદ્દા ઉપર બિરાજમાન થયા હોય. આ બંને પતિ-પત્ની વચ્ચે રામ અને સીતા જેવો ગાઢ પ્રેમ છે. ત્યારે આશા રાખીએ કે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બિરાજમાન થનાર સીતાબેન પટેલ આગામી સમયમાં તાલુકાના વિકાસ માટે જરૂરી કદમ ઉઠાવે અને મહિલા સશક્તિકરણ ના વિચારને વધારે મજબૂત બનાવે.