સરકાર ધો.10ના પરિણામની ગાઈડલાઈન મુદ્દે ઊંઘતી રહી : સુરતની 220 શાળાઓમાં ધો.11 માં એડમિશન હાઉસફૂલ થઈ ગયા !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સરકારે મોટા ઉપાડે ધોરણ 10માં માસ પ્રમોશન નિર્ણય જાહેર તો કરી દીધો પરંતુ હજુ સુધી સરકાર ખુદ મૂંઝવણમાં છે કે ધોરણ-10નું પરિણામ કેવી રીતે આપવું. ધોરણ-10નું પરિણામ આપવા અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી કરવામાં આવી નથી. જેથી ધોરણ 11માં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની બાબતને લઈને અસમંજસતા પ્રવર્તી રહી છે.
જો કે સરકારની કુંભકર્ણ જેવી ઘોર નિદ્રા ની સ્થિતિમાં ખાનગી શાળાઓએ પોતપોતાની રીતે ધોરણ 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે.પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર સુરતમાં ધોરણ 11 ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની 600 જેટલી સ્કૂલોમાંથી 220 સ્કૂલોએ 26 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ ફાઈનલ કર્યા હોવાનું સ્કૂલ સંચાલક મંડળના અધ્યક્ષ દિનકર નાયક અને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ સવજી હૂડેએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતુ.
જો કે જે શાળાઓએ વિધાર્થીઓને ધોરણ 11 માં પ્રવેશ આપવાનું શરૂ કર્યું છે એ શાળાઓએ ધોરણ 10 ના પ્રથમ અને બીજી કસોટી ના પરિણામોને આધારે પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જ્યારે હજુ કેટલીક શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ નથી. ત્યારે આ બધા વચ્ચે ચોંકાવનારી વિગતો એવી બહાર આવી છે કે સુરતની આશરે 220 જેટલી શાળાઓમાં ધોરણ 11 માં નો પ્રવેશ ફૂલ થઇ ગયો છે. એટલે કે હવે તે શાળાઓ વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે તેવી સ્થિતિમાં નથી.