ગુજરાત : રાત્રે બે વાગે એરપોર્ટ જવા નીકળેલા વેપારીને કરફ્યુ ભંગનો ગુનો નોંધવાની બીક બતાવી 500 પડાવ્યા,પણ પછી થઈ જેલ જવાનો વારો આવ્યો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં ગુજરાતના 36 શહેરોમાં નાઈટ કર્ફ્યુ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂ દરમિયાન બે હોમગાર્ડના જવાનો એ વાહન ચાલક પાસેથી કર્ફ્યુ ના ભંગ બદલ ગુનો કરવાની ધમકી આપી પાંચસો રૂપિયાનો તોડ કરવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઓઢવમાં રહેતા ફેકટરીના માલીક મોહનભાઈ સેરવઈના ભત્રીજાના લગ્ન હોવાથી તેઓ તમિલનાડુમાં મદુરાઈ જવા પોતાના ભત્રીજા ઈલમવાલુદી સાથે રાત્રે બે વાગે એરપોર્ટ જવા નીકળ્યા હતા.એરપોર્ટ જવા નીકળ્યા હતા ત્યારે આ બન્ને હોમાગાર્ડે તેમની ગાડીને અટકાવી હતી.કરફ્યુના સમયે મોહનભાઈએ ઘરેથી નીકળવા બદલ ફલાઈટની ટીકીટ બતાવી હતી.
પરંતુ પોલીસ હોવાના રોફમાં બન્ને હોમગાર્ડે મોહનભાઈને કેસ કરવાની ધમકી આપી હતી. રાત્રે બે વાગે કરફ્યુનો ભંગ બદલ રૂ. 5 હજારની દંડ કરવાની ધમકી આપીને રૂ.500નો તોડ કર્યો હતો.ફલાઈટ સાત વાગ્યાની હોવાથી તેઓએ પાંચ વાગે એરપોર્ટ પહોંચવાનું હતુ. જેથી હોમગાર્ડને વિનંતી કરી હોવા છતા તેઓએ રકઝક કરીને રૂપિયા 500નો તોડ કર્યો. મોહનભાઈ પૈસા આપીને એરપોર્ટ ભત્રીજાને મુકીને આવ્યા અને ડીસીપીને આ મુદ્દે અરજી કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરતા બન્ને હોમગાર્ડ સંજય મકવાણા અને મનોજ રાઠોડનો ભાંડો ફુટી ગયો હતો. ઓઢવ પોલીસે બન્નેની ધરપકડ કરી હતી.