CM રૂપાણીએ વાવાઝોડામાં સૌથી અસરગ્રસ્ત ઉનાની મુલાકાત લઈ સર્જ્યું રહસ્ય, જે ગામની મુલાકાત લીધી એની હકીકત જાણી ચોકી જશો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો ને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરીથી આ વિસ્તાર નું નિરીક્ષણ કરવા માટે સૌરાષ્ટ્ર ગયા હતા જેમાં વાવાઝોડું જ્યાં landfall થયું હતું એવા ઉના તાલુકામાં સૌથી વધારે નુકસાન થયું છે.આ વિસ્તારના સમાજ સેવક રસિકભાઈ ચાવડા જણાવે છે કે ઉનાના દરિયા કિનારાના ગામડાઓમાં લોકો બેઘર બન્યા છે તેમજ પીવાના પાણી માટે પણ વલખાં છે.ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા વધારે અસરગ્રસ્ત ગામની મુલાકાત લેવાની બદલે ઉના તાલુકાના વિકસિત ગામ ગરાળા ને શા માટે પસંદ કર્યું તેને લઈને અનેક તર્ક-વિતર્ક શરૂઆત થયા હતા.
જો કે મુખ્યમંત્રીએ જાતે જ વિકસિત ગામની મુલાકાત લેવાનું પસંદ કર્યું હતું કે પછી અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીની મુલાકાત ને લઇ આ ગામ પસંદ કરવામાં આવ્યું હતું તે એક વણઉકેલાયો કોયડો છે. મુખ્યમંત્રીએ જે ગામની મુલાકાત લીધી તે દરિયા કિનારા થી 10 કિલોમીટર જેટલા અંતરે દૂર આવેલું છે તેથી ત્યાં વધુ પ્રમાણમાં નુકસાન થયું નથી.ગરાળ ગામમાં સૌથી વધારે બાગાયત ખેતી થાય છે.લોકો સુખી છે.પાકા મકાનો પણ છે.જ્યારે સૌથી વધારે નુકશાન થયું છે એ નવા બંદર, સૈયદરાજપરા,ખડા વગેરે દરિયાકાંઠા ના ગામોમાં સૌથી વધારે નુકશાન થયું છે.ત્યારે મુખ્યમંત્રીએ આ વધુ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવાને બદલે સરખામણીમાં ઓછું અસરગ્રસ્ત અને આર્થિક સધ્ધર ગરાળ ગામ પસંદ કરતાં આશ્ચર્ય ફેલાયું હતું.
ઉના-ગીર ગઢડા તાલુકામાં કુલ 142 ગામડા આવેલા છે. જેમાં મુખ્યમંત્રીએ માત્ર આ એક જ ગામ ની સ્થળ મુલાકાત કરી હતી. બાકીના વિસ્તારોમાં માત્ર હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ તાલુકામાં આંબાની વાડીઓ સદંતર નિષ્ફળ છે.આંબાના ઝાડ પડી ગયા છે.વળી નારિયેળ ના ઝાડ પણ પડી ગયા છે.દરિયાકાંઠાના બે ત્રણ બંદરની સ્થિતિ અતિ ખરાબ છે. રસિકભાઈ જણાવે છે કે તેઓ પોતે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડપેકેટ લઈને ગયા હતા તો વળી રાજકોટથી સ્પેશ્યલ પાણી માટેની એક સેવાભાવી સંસ્થા ની ગાડી આવી હતી. જેમાં 400 જેટલી પાણીની બોટલો હતી. લોકો પાણી માટે પડાપડી કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા આ વિસ્તારને સો ટકા વળતર આપવામાં આવે તેવી મુખ્યમંત્રી પાસે તેમણે માગણી કરી છે. હવે જોવું એ રહ્યું કે ૧૦૦૦ કરોડના રાહત પેકેજમાં થી ઉના તાલુકા ને કેટલી રાહત મળશે ?