શિક્ષકે વર્ગ ખંડમાં બોર્ડ પર લખેલું એ ઉદાહરણ જોઈ ખૂણામાં બેસેલી વિદ્યાર્થીની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, કારણ જાણી તમે પણ રડી પડશો

શિક્ષકે વર્ગ ખંડમાં બોર્ડ પર લખેલું એ ઉદાહરણ જોઈ ખૂણામાં બેસેલી વિદ્યાર્થીની ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, કારણ જાણી તમે પણ રડી પડશો

સમજાય છે ખૂબ જ મોડેથી...

મોર્નિંગ ન્યુઝ ફોકસ (ભરત પરમાર) : ગુરૂવારના દિવસે આમ તો મારે શાળા પછી ટ્યુશન ક્લાસમાં ત્રણ પિરિયડ હોય છે. શાળાએથી છૂટીને 1:30 વાગે ઘરે આવ્યો. ફટાફટ જમીને ટ્યુશન ક્લાસ પર જવા રવાના થયો. પહેલા ક્લાસ ની અંદર ટ્યુશન પતાવીને ઝડપભેર બીજા ક્લાસીસ ઉપર ગયો. ત્યાં આજે સંસ્કૃત નો બીજો પિરિયડ હતો અને પૂર્ણ કર્યા પછી આજનો અંતિમ પિરિયડ લેવાની શરૂઆત કરી.  ધોરણ 10માં વ્યાકરણનો સમાસ નો મુદ્દો ચાલતો હતો. વિદ્યાર્થી ખૂબ જ ઉત્સાહભેર ભણી રહ્યા હતા.

 સમાસ ની વ્યાખ્યા તથા પ્રકાર ની ખૂબ જ ઝીણવટપૂર્વક હું માહિતી વિદ્યાર્થીઓને આપી રહ્યો હતો. હર્યાભર્યા આ ક્લાસમાં સૌની નજર બોર્ડ પર લખાતા ઉદાહરણો પર મંડાયેલી હતી. પરંતુ એક દીકરી દૂર ખૂણામાં ગુમસુમ બેઠી હતી. આ જોઈને મને ગુસ્સો આવ્યો અને ચાલુ જ ક્લાસમાં બરાબર ક્લાસમાં ધ્યાન દેવાનું અને ક્લાસમાં ધ્યાન નથી આપતી તે તેના પિતાને ફોન કરીને જણાવવાનું કહ્યું. પછી એ છોકરી ફરી પાછી ગુમસુમ થઇ ગઈ. સમાસનો કર્મધારય પ્રકાર ભણાવતા ભણાવતા ' પ્રેમાળ પિતા ' ઉદાહરણ આપ્યું. ફરી મારું ધ્યાન તે છોકરી તરફ ગયું. છોકરીના આંખમાં આંસુ હતા આ જોઈને હું ફરી પાછો અચરજ પામ્યો.

             ઘડિયાળના કાંટા 6 પર થંભી ગયા હતા. વિદ્યાર્થીઓને ક્લાસીસ માંથી ઘરે જવાની મંજૂરી આપી દીધી. એટલામાં જ પેલી ગુમસુમ બેસેલ અને રડી રહેલ વિદ્યાર્થીનીની બહેનપણી મારી પાસે આવીને મને હળવેથી કહ્યું “ સાહેબ તે રડે છે તેનું કારણ આપે એ બોર્ડ પર લખેલું ઉદાહરણ 'પ્રેમાળ પિતા' છે. કારણકે તેના પિતાનું આજથી 5 દિવસ પહેલા હાર્ટ એટેક ના કારણે અવસાન થયું છે ” આ સાંભળીને હું અવાક બની ગયો. મારી વિચારવાની ક્ષમતા ઓ શૂન્ય થઈ ગઈ. પેલા ઘડિયાળના કાંટા ની માફક હું પણ થંભી ગયો.મને હવે એના રડવાનું કારણ સમજાયું સાથે સાથે તેના પિતા ગુમાવ્યાના દુઃખનો હું વર્ગ ખંડમાં તો ભાગીદાર ન બની શક્યો પણ પિતા પ્રત્યેના તેના પ્રેમને જોઈ વિહવળ બનેલ મારી લાગણીઓને મેં કલમથી જીવંત બનાવવાનો પ્રયાસ કર્યો કારણ કે આખરે હું પણ એક દીકરી નો પિતા જ છું.