આજે આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસે સુરત મહાનગર પાલિકાએ વિશ્વમાં પણ ડંકો વગાડ્યો, શિક્ષણની આ પ્રવૃત્તિમાં વિશ્વમાં નંબર વન છે
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતને મીની ભારત ગણવામાં આવે છે કારણકે અહીં વિવિધ રાજ્યના લોકો વસવાટ કરે છે એટલે અહીં વિવિધ રાજ્યની ભાષાઓનો પણ સંગમ જોવા મળે છે ત્યારે આજે 21 ફેબ્રુઆરી એટલે આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસે સુરતીઓએ ગર્વ લેવા જેવી બાબત એ છે કે તમામ રાજ્યના લોકોની માતૃભાષા ને ધ્યાનમાં લઈને સુરત મહાનગર પાલિકા ઉમદા કાર્ય કરી રહી છે.સુરતીઓએ ખરેખર ગર્વ લેવા જેવી બાબત એ છે કે સુરત મહાનગર પાલિકા વિદ્યાર્થીઓને માત્ર ગુજરાતી જ નહીં પરંતુ પાંચ વિવિધ પ્રાંતીય અને એક આંતર રાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે.કદાચ દેશની આ પ્રથમ મહાનગર પાલિકા હશે જે વિદ્યાર્થીઓને માતૃભાષા ઉપરાંત વિવિધ પ્રાંતીય ભાષાઓમાં શિક્ષણ આપતી હોય.
જણાવી દઈએ કે આખી દુનિયાના અન્ય શહેરો કરતાં સુરતમાં વિશિષ્ટ ખાસિયત છે કે અહીં માત્ર પોતાની ગુજરાતી ભાષા ઉપરાંત હિન્દી, મરાઠી, ઉર્દુ, ઉડીયા, તેલુગુ અને અંગ્રેજી જેવી ભાષામાં વિદ્યાર્થીઓને વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. સુરત મ્યુનિ. તંત્રએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, ઉડીયા, તેલુગુ અને અંગ્રેજી જેવી સાત ભાષામાં સ્કૂલ શરૃ કરી છે. સુરત મ્યુનિ.એ પોતાના શહેરમાં વસતા અન્ય પ્રાંતના બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય અને તેઓને તેમની જ ભાષામાં પ્રાથણિક શિક્ષણ મળે તે હેતુથી 319 શાળા શરૃ કરી છે.
જેમાં 1.64 લાખ બાળકો અભ્યાસ કરે છે. ગુજરાતી માધ્યમની ૧૯૪ શાળા છે, જ્યારે અન્ય છ માધ્યમની શાળાની સંખ્યા 125 છે. સુરત ગુજરાતનું આર્થિક પાટનગર હોવા ઉપરાંત સૌથી મોટી ગુજરાતીઓની વસ્તી છે, તેના કારણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા 94 હજાર છે. જ્યારે બીજા ક્રમે મરાઠી માધ્યમના 26851, ઉર્દુ માધ્મયના 17312 અને હિન્દી માધ્યમના 16212 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ ઉપરાંત તેલુગુ અને ઉડિયા ભાષાના લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. મ્યુનિ. તંત્રએ અન્ય રાજ્યોની માતૃભાષાને જીવંત રાખવા ઉપરાંત સમયની સાથે કદમ મીલાવીને અંગ્રેજી માધ્યમની શાળા પણ શરૃ કરેલી છે. શહેર વિસ્તારમાં ૯ અગ્રેજી માધ્યમની શાળા ચાલે છે, જેમાં ૪૭૯૭ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આગામી દિવસોમાં મ્યુનિ. તંત્ર હજી વધુ અંગ્રેજી માધ્યમની શાળામાં શરૃ કરવા જઈ રહી છે.