CM રૂપાણીના આ નિવેદન પર AAP અને કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા : રૂપાણીના નિવેદન સાથે ભાજપના સાંસદની ઓડિયો કલીપને શુ છે સંબંધ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : ગુજરાતમાં કોરોના ના કહેરને ને પરિણામે સમગ્ર રાજ્યમાં અનેક લોકો અપૂરતી સારવારના અભાવે મોત નિપજ્યા છે. થોડોક સમય માટે ગુજરાતના સ્મશાનનું દ્રશ્ય સામે આવી રહ્યું હતું તે જોતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સ ની લાઈનો લાગતી હતી. દર્દીઓને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા ન હતા, તો વળી ઇન્જેક્શનો ના કાળા બજારી થઈ રહી હતી અને ઓક્સિજનના અભાવે અનેક લોકોએ દમ તોડવા નો વારો આવ્યો હતો. કોરોનાની બીજી લહેરનું વાસ્તવિક દ્રશ્ય ખુબ જ બિહામણું હતું છતાં ગુજરાતના મુખ્ય મંત્રીએ તાજેતરમાં એવું નિવેદન આપ્યું છે કે, " હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી જવાથી દર્દીનું મૃત્યુ થવાની એક પણ ઘટના રાજ્યમાં બની નથી."
રૂપાણીનું નિવેદન દાઝયા પર ડામ દેવા સમાન : આમ આદમી પાર્ટી
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના વિચિત્ર નિવેદનને લઈને આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણી એ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી માત્રને માત્ર એક કઠપૂતળી સમાન છે. વાસ્તવિક પરિસ્થિતિ નો તેમની પાસે કોઈ ચિતાર જ નથી. ગુજરાતમાં અનેક લોકો જ્યારે સરકારની અપૂરતી આરોગ્યલક્ષી સુવિધાના અભાવે મોતને ભેટયા છે, ત્યારે મુખ્યમંત્રી આ પ્રકારના નિવેદનો કરીને જે લોકોએ કોરોના માં પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને ' દાઝયા ઉપર ડામ ' દઇ રહ્યા છે.
યોગેશ જાદવાણી મુખ્યમંત્રીના આ નિવેદનની ઠેકડી ઉડાવતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો જ્યારે મુખ્યમંત્રીને જ ગંભીરતાથી લેતા નથી ત્યારે એમના નિવેદનને ગંભીરતાથી લેવાનો કોઈ અર્થ જ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના નાના બાળકથી લઈને વયોવૃદ્ધ લોકો પણ જાણે છે કે ગુજરાતમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ ના જે મૃત્યુ થયા છે એ સરકારના અણઘડ વહીવટને કારણે સંકલનના અભાવે અપૂરતી આરોગ્યલક્ષી સુવિધાના અભાવે તેમજ હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનના અભાવે મૃત્યુ થયા છે.
સરકાર આંકડાઓની માયાઝાળ રમવાનું બંધ કરે : કોંગ્રેસ
તો આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતની રૂપાણી સરકાર છેલ્લા કેટલાય સમયથી આંકડાઓ છુપાવીને વાસ્તવિક પરિસ્થિતિ ને ક્યાંક ને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે જણાવ્યું કે જ્યારે ગુજરાતના ભાજપના પાટણના સાંસદ ભરતસિંહ ડાભી જ એમ કહેતા હોય કે વડનગરમાં અનેક લોકો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી નું નિવેદન કેટલું સત્ય છે એ સૌ કોઈ અંદાજ લગાવી શકે છે. મુખ્યમંત્રીએ આવું નિવેદન કરતાં પહેલાં તેમના જ ભાજપના સાંસદ ની ઓડિયો ક્લિપ સાંભળવાની જરૂર હતી તો તેમને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી જાત. સરકાર આંકડાની માયાજાળ રમવાનું બંધ કરે અને ગુજરાત અને ગુજરાતીઓને બચાવવા માટે નક્કર સ્વાસ્થ્ય લક્ષી આયોજનો કરે તે વર્તમાન સમયની માંગ છે.