70 વર્ષના કોંગ્રેસના શાસનમાં જે હોસ્પિટલો બની એ આજે આશીર્વાદ રૂપ, ભાજપના 20 વર્ષના વિકાસમાં લોકો રામભરોષે : ગિરીશ પટેલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ): હાલમાં કોરોના કહેર ને પરિણામે ઠેરઠેર મૃતદેહો ના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. ક્યાંક લોકો ઓક્સિજન માટે દોડાદોડી કરી રહ્યા છે તો ક્યાંક બેડ નથી મળી રહ્યા. તો વળી ક્યાંક જીવન રક્ષક ગણાતા ઇન્જેક્શનની બુમરાણ ઊઠી રહી છે. અને આ બધું ઓછું હોય તેમ હવે સ્મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે પણ લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક 20 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર ગુજરાતના લોકોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ એટલી જ ખરાબ હાલત હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વડનગર નગરપાલિકાના નગરસેવક ગીરીશભાઈ પટેલના જણાવ્યા મુજબ વડનગરમાં પણ કોરોના ના કેસો છે. ત્યારે વડનગરમાં સિવિલ હોસ્પિટલ હોવા છતાં પણ લોકોને આમતેમ ભટકવા નો વારો આવ્યો છે. કોઈ ઓક્સિજન માટે ફરે છે તો કોઈ ઇન્જેક્શન દોડાદોડી કરી રહ્યું છે. સિવિલમાં મર્યાદિત બેડને પરિણામે તેમજ ઓક્સિજનની અપૂરતી સુવિધાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
ભાજપ સરકારના 20 વર્ષના શાસનમાં પણ માત્રને માત્ર સરકારે લોકોને વિકાસના નામે ઉંધા ચશ્માં પહેરાવ્યા હોય તેવુ વર્તમાન ચિત્ર પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. વડનગરના નગરસેવક ગિરીશભાઈ પટેલ ભાજપ સરકાર ના વિકાસ મોડલ સામે પ્રશ્ન ખડો કરતાં જણાવે છે કે સારું થયું કે 70 વર્ષ કોંગ્રેસની સરકાર હતી જેમાં નિર્માણ પામેલી હોસ્પિટલોમાં આજે લોકોને સારવાર મળી રહી છે. જો ભાજપ સરકાર હોત તો આજે શું પરિસ્થિતિ હોત તેની કલ્પના કરવી પણ રૂંવાડા ખડા કરી દે છે. કારણ કે ગુજરાતમાં 20 વર્ષના શાસનમાં ભાજપ દ્વારા કદાચ આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોસ્પિટલો બની હશે !