વિશેષ અહેવાલ : કોરોનાને લઈ હોમ ટાઉન ગુજરાતમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છતાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચૂપ કેમ ?

વિશેષ અહેવાલ : કોરોનાને લઈ હોમ ટાઉન ગુજરાતમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છતાં PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ચૂપ કેમ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) :  ગુજરાતમાં કોરોના નો હાહાકાર પ્રવર્તી રહ્યો છે. સુરત સહિત અનેક શહેરોમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ મળી રહી નથી. ક્યાંક વેન્ટિલેટર નો અભાવ છે, તો ક્યાંક બેડ ખાલી નથી, તો વળી ક્યાંક ઓક્સિજન મળી રહેતો નથી તો બીજી બાજુ રેમડેસીવર જેવા ઇન્જેક્શનો માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે.ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવામાં ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ગુજરાતીઓએ જેને ખોબલે ખોબલે મત આપીને કેન્દ્રમાં મોકલ્યા છે એવા ગૃહમંત્રી અમીત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાતના પનોતા પુત્ર છે તેમની ગુજરાત પ્રત્યેની હાલમાં કોઈ જવાબદારી ખરી કે નહીં એને લઈને અનેક સવાલો ખડા થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતના પનોતા પુત્ર છે. ગુજરાતમાં જ્યારે રાજકીય ચૂંટણીનો માહોલ જામતો હોય છે ત્યારે આ બંને નેતાઓ જરૂર પડે તેમ અનેક વખત ગુજરાતની મુલાકાત લેતા હોય છે. એટલું જ નહીં પરંતુ ચૂંટણી સમયની તમામ રાજકીય ગતિવિધિઓ ઉપર પૂરેપૂરું ધ્યાન આપતા હોય છે. પરંતુ ગુજરાત હાલમાં કોરોના ના ભરડામાં સપડાયું છે ત્યારે શા માટે નરેન્દ્ર મોદી કે અમિત શાહ ગુજરાત પ્રત્યે પોતાની ફરજ અદા કરવામાં ક્યાંકને ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે ?

ગુજરાત હાલ ખરેખર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો એમ કહેતા કે જરૂર પડે ત્યારે મને પોકાર જો હું હાજર થઈ જઈશ. પરંતુ હાલની ગુજરાતની આ વિકટ પરિસ્થિતિમાં કદાચ આ બંને નેતાઓએ મોઢું ફેરવી લીધું હોય એવું ભાસી રહ્યું છે. કારણ કે એક બાજુ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ના hometown રાજકોટ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના hometown સુરતમાં દર્દીઓને પૂરતા બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર અને સંજીવની ગણાતા રેમ ડેસીવર ઇન્જેક્શન વિના મોતની ચાદર ઓઢી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર તો નિષ્ફળ ગઈ છે પરંતુ કેન્દ્ર સરકાર શું કરી રહી છે તેને લઈને પણ અનેક સવાલો ખડા થયા છે.

અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતને ભૂકંપ અને પૂર જેવી પરિસ્થિતિ માંથી કુશળતાપૂર્વક ઉગારી લીધું હતું કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ માંથી ગુજરાતને કેવી રીતે બહાર લાવવુ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. જો મોદી ઇચ્છે તો કોરોના ની હાલની આ વિકટ પરિસ્થિતિમાંથી પણ ગુજરાતને ઝડપથી બહાર લાવી શકે છે. પરંતુ કોણ જાણે કેમ ક્યાંકને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત પ્રત્યેની થોડી ઘણી ઉદાસીનતા હોય તેવું લાગી રહ્યું છે.

બીજી બાજુ હાલમાં બંગાળમાં ચૂંટણીનો માહોલ છે. મમતા બેનરજીને હરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહે એડીચોટીનું જોર લગાવ્યું છે. બંને નેતાઓ બંગાળની રાજનીતિમાં એટલા બધા મગ્ન બની ગયા છે કે કદાચ એમને ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ નો જાણે કોઈ ચિતાર જ ન મળતો હોય !  ખેર રાજનીતિ એ રાજનીતિ ની જગ્યાએ પરંતુ એક પ્રધાન મંત્રી હોવાના નાતે ગુજરાત પ્રત્યે તેમની જવાબદારી કેટલી ? એક બાજુ હાઇકોર્ટ દ્વારા ગુજરાતમાં ઈમરજન્સી જેવી સ્થિતિ હોવાનો ઉલ્લેખ કરાયો છે, છતાં પણ પ્રધાનમંત્રી કે ગૃહમંત્રીના પેટનું પાણી હાલતું ન હોય એમ લાગી રહ્યું છે. જાણે ગુજરાત સાથે તેમને કંઈ લેવાદેવા જ ન હોય એવું હાલની પરિસ્થિતિ પરથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે.