ગુજરાતમાં ધો.10-12 ની બોર્ડની પરીક્ષા લેવાશે કે પાછી ઠેલાશે ? ધો.1 થી 9 અને 11 માં માસ પ્રમોશન અપાશે કે કેમ ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના ને લીધે છેલ્લા ઘણા સમયથી શાળાઓમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય બંધ છે. ત્યારે હવે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા છે. તો બીજી બાજુ મહાનગરોમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા નિર્ધારિત સમય લેવાશે કે પછી પાછી ઠેલાશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદો માં શરૂ થયા છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર માં સરકાર દ્વારા ધોરણ એક થી નવ અને 11 ને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે.ત્યારે ગુજરાતમાં પણ ધોરણ એક થી નવ અને 11 માં માસ પ્રમોશન આપવામાં આવશે કે પછી પરીક્ષા લેવાશે તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ અનેક સવાલો ખડા થયા છે. બીજી બાજુ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક આવેલી છે ત્યારે કોરોનાની મહામારી માં બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે કે પછી પાછી ઠેલાશે તેને લઈને પણ હજુ સુધી સરકાર દ્વારા કોઇ જાહેરાત કરાઇ નથી ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ માં મૂંઝવણ વધી છે ત્યારે સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરાય તે જરૂરી છે.
અત્રે નોંધનીય છે કે ગત વર્ષે ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ લેવાઇ હતી અને ત્યારબાદ કોરોનાનો કહેર વધતા છેવટે lockdown લાદવામાં આવ્યું હતું. જેને લઇ ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે કોરોના કહેર ને પરિણામે સ્થિતિ અગાઉ કરતાં પણ વધારે બગડી છે. એક બાજુ હોસ્પિટલમાં બેડ ની સુવિધા ઉપલબ્ધ નથી, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન કે વેન્ટિલેટર નથી ત્યારે આવી ઈમરજન્સી જેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ હોવાનું જ્યારે હાઈકોર્ટે કહ્યું છે ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતમાં પરીક્ષાઓ લેવાશે કે માસ પ્રમોશન અપાશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.