સુરત મ.ન.પા.ના આમ આદમી પાર્ટીના નગરસેવકોએ લીધેલા આ નિર્ણયથી ભાજપના નગર સેવકો મૂંઝવણમાં !

સુરત મ.ન.પા.ના આમ આદમી પાર્ટીના નગરસેવકોએ લીધેલા આ નિર્ણયથી ભાજપના નગર સેવકો મૂંઝવણમાં !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  સુરતમાં સમય અગાઉ ભાજપના નેતાઓનું બાંકડા કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું હતું. ભાજપના મોટા ભાગના નેતાઓ એ પોતાની મહામૂલી વિકાસના કાર્યો કરવા માટે મળેલી ગ્રાન્ટનો ઉપયોગ બાંકડાઓમાં એવી રીતે કર્યો હતો કે જેને લઇને ઘણા વિવાદો ઉઠયા હતા. ત્યારે આ વખતે ભાજપ ના બાકડા માટે પોતાની ગ્રાન્ટ વાપરનારા નેતાઓ માટે હવે મોટી મુશ્કેલી સર્જાઈ છે, કારણકે મહાનગરપાલિકામાં બેઠેલા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પોતાની ગ્રાન્ટ બાંકડાઓ માટે નહીં વાપરવાનો નિર્ણય લીધો છે.

ભાજપના શાસકો ને મળતી ગ્રાન્ટ વિકાસ કાર્યોને બદલે વિવાદાસ્પદ કાર્યોમાં વાપરવાની પણ અણઆવડત ઘણા સમયથી ચર્ચામાં હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નગરસેવકો ભાજપના નેતાઓને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રૂપે શીખવી રહ્યા છે કે પોતાની ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ વિકાસ કાર્યોમાં કેવી રીતે થઈ શકે. સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ હતું ત્યારે પાલિકાની ગ્રાન્ટ નહીં ફાળવનારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હવે લોકોના અભિપ્રાય લઈને ગ્રાન્ટની ફાળવણી કરશે. જો કે, બાકડાઓ માટે ગ્રાન્ટની ફાળવણી કરાશે નહી. માત્ર પ્રાથમિક સુવિધા માટે જ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

સુરત મહાનગરપાલિકામાં પહેલીવાર વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટીએ અનોખી પહેલ શરૂ કરી છે. કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈ ફાલતુ ખર્ચ માટે નહીં, પરંતુ લોક ઉપયોગી કામ માટે થઈ શકે તેવો પ્રયાસ અપનાવવામાં આવ્યો છે. અને આ માટે આમ આદમી પાર્ટીએ કોર્પોરેટરને મળતી ગ્રાન્ટ ક્યાં વાપરવી તે માટે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. જેના ભાગરૂપે કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે માટે જનતાની મરજી જાણવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના દરેક કોર્પોરેટરો દ્વારા આ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સોસાયટીના આંતરિક પાકા રસ્તા, ગટર લાઈન, પીવાના પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક ફીટીંગ, સોસાયટીમાં સીસીટીવી કેમેરા તેમજ જો અન્ય કોઈ સૂચન હશે તો તેની જાણકારી લોકો પાસેથી મેળવવામાં આવશે. તે મુજબની ફાળવણી થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.પરંતુ ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો બાંકડા પાછળ નહીં ખર્ચવામાં આવશે. અને એક પણ બાંકડા નહિ મૂકી આપવામાં આવે તેવું પણ સ્પષ્ટ ફોર્મમાં જણાવવામાં આવ્યું છે.