રૂપાણી સરકારે બુદ્ધિનું દેવાળું ફૂંકયું : સરકારના આ નિર્ણયથી ધો.11 ના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધશે, ભણી નહિ શકે પણ બીમાર પડી શકે છે !
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : રૂપાણી સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને વાહવાહી તો લૂંટી લીધી પરંતુ માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ ૧૧ મા વિદ્યાર્થીઓની પ્રવેશને લઇને મોટી સમસ્યા ઉદ્ભવી શકે તેમ હતી ત્યારે રૂપાણી સરકાર દ્વારા વર્ગખંડ દીઠ 60 ને બદલે 75 વિદ્યાર્થીઓને બેસાડવાની મંજૂરી આપી દીધી છે. જોકે આ મંજૂરી આપતાની સાથે જ અનેક મોટી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.
જોકે ધોરણ 10માં માસ પ્રમોશન આપવાથી ધોરણ 11માં વર્ગખંડોની સંખ્યા વધારવાને બદલે સરકારે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાનો નિર્ણય કરીને પોતાની મૂર્ખામી નું પ્રદર્શન કર્યું હોય તેવું તજજ્ઞોનું માનવું છે. કારણકે 60 વિદ્યાર્થીઓને માંડ માંડ ભણાવી શકતા શિક્ષકો હવે 75 વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવી શકશે એ પણ એક મોટો પ્રશ્ન છે.
જોકે મોટાભાગે શિક્ષકો નો અવાજ ૬૦ વિદ્યાર્થીઓ સુધી પણ ઘણીવાર પહોંચી શકતો નથી. ત્યારે 75 વિદ્યાર્થીઓ સુધી શિક્ષક નો અવાજ કેવી રીતે પહોંચશે ? ખાનગી શાળાઓમાં શિક્ષકો માઇકનો ઉપયોગ કરે છે. પરંતુ સરકારી શાળાના જે આળસુ શિક્ષકો છે એ શિક્ષકો જો પોતાની અગાઉની મૂળ શૈલીમાં ધીમા અવાજે વિદ્યાર્થીઓને ભણાવ્યા કરશે તો વિદ્યાર્થીઓ શું ભણશે ?
એક બાજુ સરકાર કહે છે કે સોશિયલ distance જાળવો તો બીજી બાજુ એક વર્ગખંડમાં 75 વિદ્યાર્થીઓ બેસાડવાની નોબત આવશે અને જો પૂરતા પ્રમાણમાં બેન્ચીસની વ્યવસ્થા નહીં હોય તો એક બેન્ચીસ પર ત્રણને બદલે ચાર વિદ્યાર્થિઓએ બેસવાનો વારો આવશે. તો પછી આમાં કેવી રીતે સોશિયલ distance જળવાશે ? શું સરકારને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની કોઈ પરવા નથી ?
રાજકીય તાયફાઓ કરવા માટે લાખો રૂપિયાનો ધુમાડો કરનારી રૂપાણી સરકાર પાસે હવે શિક્ષકોનું મહેકમ વધારવાની અને તેના માટે વધારે નાણાં ફાળવવા ની હેસિયત નથી. ત્યારે વિકાસની અને ગુજરાત મોડલની વાતો કરનારી આ રૂપાણી સરકારે ગાજવા ને બદલે લાજવું જોઈએ. જોકે સરકારે માસ પ્રમોશન આપીને વિદ્યાર્થીઓની કૌશલ્યતા સામે અનેક પ્રશ્નાર્થો ખડા કર્યા છે. ત્યારે હવે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વધારે સમાવવાને બદલે શાળાઓમાં વર્ગખંડોની સંખ્યા વધારવી અને વધારે શિક્ષકોની ભરતી કરવા માટેની દિશામાં સરકારે વિચારવું જોઈએ.