.....તો શું આ કારણો થી રૂપાણી સરકાર ગુજરાતમાં લોકડાઉન કરતા ડરી રહી છે ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : ગુજરાતમાં વધતા જતા કોરોના ના કેસો ને લીધે ઇમર્જન્સી જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખુદ હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી છતાં પણ સરકાર દ્વારા હાઇકોર્ટમાં એવો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે સબ સલામત છે અર્થાત સરકાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. પણ હકીકત કંઇક જુદી જ હોવાનું તસવીરો જોતાં માલૂમ પડી રહ્યું છે. ગુજરાતમાં કોરોના ની આ કપરી સ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ નો ક્યાંક અભાવ છે તેમ જ સરકાર ક્યાંકને ક્યાંક નિષ્ફળ જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હોસ્પિટલોમા જગ્યા જ નથી, સ્ટાફની અછત છે. સ્મશાનો મડદા થી ઉભરાઇ રહ્યા છે. જે સ્ટાફ છે તે પણ ઓવર બર્ડનને કારણે માનસિક ત્રસ્ત થઇ ચૂક્યો છે. આવામાં જન માનસમા એક જ સવાલ ઘુમરાઈ રહ્યો છે કે સરકાર લોકડાઉન કેમ નથી કરી રહી? કોરોના કહેર ને કાબૂમાં લેવા અને કોરોનાની ચેન તોડવા લોકડાઉન લાદવા માટે હાઇકોર્ટ , ડોકટરોનાં વિવિધ એસોસિએશન, વેપારી સંગઠનો અને ખુદ પ્રજા પણ લોકડાઉનની તરફેણ કરી રહી છે.
હોસ્પિટલમાં બેડની અછત , દવાની અછત , એબ્યુલન્સની અછત , ટેસ્ટિંગમાં લાઈનો , સ્મશાનમાં પણ ભીડ , દર્દીઓ આમતેમ દોડધામ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કોરોનાની ચેન તોડવા અને મેડિકલ કટોકટી દૂર કરવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવે એવી લાગણી અને માગણી હાઇકોર્ટથી માંડી ડોકટરો કરી રહ્યાં છે. છતાં સરકાર લોકડાઉન કરવા માટે નનૈયોભણી રહી છે. રાજ્યમાંથી અનેક ઠેકાણેથી બિહામણી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે.
તો બીજી બાજુ દિલ્હી અને રાજસ્થાન સરકાર લોકડાઉન ઘોષિત કરી ચૂકી છે. ત્યારે ગુજરાત રાજસ્થાનનું પડોશી રાજ્ય હોવા છતા હજુ કેમ લોકડાઉનની દિશામાં વિચારતું નથી? જોકે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવું નિવેદન આપ્યું હતું કે lockdown થી કોરોના ની ચેન તૂટી જશે એની કોઈ ગેરંટી નથી. નીતિન પટેલનું નિવેદન ક્યાંકને ક્યાંક સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટેનું હોય તેમ લાગી રહ્યું છે. જો lockdown થી કોરોના ની ચેન તૂટી ન શકતી હોય તો પછી રાત્રે કોરોના કર્ફ્યુ શા માટે લાવવામાં આવી રહ્યું છે ? અગાઉ જ્યારે કોરોના ની પ્રથમ લહેર આવી ત્યારે શા માટે સમગ્ર દેશમાં lockdown લાવવામાં આવ્યું હતું ? જે હોય તે પરંતુ સરકાર lockdown કરવા પાછળ ક્યાંક ને ક્યાંક પોતાની નિષ્ફળતાઓ છતી ન થઈ જાય તેને લઈને ડરી રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.