સરકારના ધો.1 થી 9 અને 11 માં માસ પ્રમોશન આપવાના ઉતાવળિયા નિર્ણયથી વાલીઓ અને શિક્ષકોની ચિંતા વધી, જાણો- કેવી રીતે ?

સરકારના ધો.1 થી 9 અને 11 માં માસ પ્રમોશન આપવાના ઉતાવળિયા નિર્ણયથી વાલીઓ અને શિક્ષકોની ચિંતા વધી, જાણો- કેવી રીતે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ગત અઠવાડિયે રૂપાણી સરકાર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખી ધોરણ 1 થી 9 અને 11 ને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાઇ હતી. જોકે આ જાહેરાત બાદ પણ વિદ્યાર્થીઓની ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનો એક પરિપત્ર કરાયો હતો. પરંતુ સરકારની જાહેરાત બાદ ઓનલાઇન શિક્ષણમાં હવે અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.

માસ પ્રમોશન આપવાનો નિર્ણય ખૂબ જ ઉતાવળિયો હોવાનું શિક્ષણવિદો પણ માની રહ્યા છે. સરકારે શિક્ષણવિદો સાથે વિચાર વિમર્શ કર્યા વિના ઉતાવળિયો નિર્ણય જાહેર કરીને પોતાનો રાજકીય રોટલો શેકયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા ધોરણ ૧ થી ૯ અને ૧૧ માં જ્યારે માસ પ્રમોશન ની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ ઓનલાઇન શિક્ષણમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જોડાઇ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. તો બીજી બાજુ વિદ્યાર્થીઓ એવું વિચારી રહ્યા છે કે હવે માસ પ્રમોશન મળી જવાનું છે તો પછી ઓનલાઇન વર્ગો માં જોડાવા નો શું અર્થ એમ વિચારીને ક્યાંકને ક્યાંક વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગમાં જોડાવાનું ટાળી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. જેને લઇને વાલીઓ તેમજ શિક્ષકોની ચિંતા વધી છે.

માસ પ્રમોશન ની જાહેરાતને લઇને વિદ્યાર્થીઓ શિક્ષણથી વિમુખ બની રહ્યા છે. જેની વિપરીત અસરો આગામી સમયમાં નવા વર્ષમાં જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓ મોટા ભાગનો સમય મોબાઈલની ઓનલાઈન ગેમો માં વ્યતીત કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.

બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સરકાર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરાયો હોત તો યોગ્ય છે. પરંતુ માસ પ્રમોશન આપવાનો નિર્ણય જાહેર કરાયો છે તે ખૂબ જ ઉતાવળિયો છે. કારણ કે આ નિર્ણયને લઈને શિક્ષણ પર પણ વિપરિત અસર જોવા મળી છે. તો ખાનગી શાળાઓમાં હવે ફી ની પણ બૂમરાડ ઊઠી છે. માસ પ્રમોશન જાહેર થયા બાદ ઓનલાઇન વર્ગો માં માંડ ૨૫થી ૩૦ ટકા વિદ્યાર્થીઓ જોડાઇ રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. આ બધાની વચ્ચે કેટલીક ખાનગી શાળાઓ દ્વારા હજુ પણ વિદ્યાર્થીઓને સતત અભ્યાસમય રાખીને ફી ઉઘરાવવાના નવા નુસખા અજમાવવામાં આવી રહ્યા છે.