રાજનીતિ સત્તા માટે નહીં સેવા માટે : AAP નાં આ નગર સેવકે આખી રાત આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓની એક દીકરી બની સેવા કરી
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : જેમની પાસે સત્તા છે અને જેઓ સેવા કરે છે એ એક સામાન્ય બાબત છે. કારણકે સત્તાનો જે પાવર છે એનો ઉપયોગ કરીને સેવા કરવામાં આવતી હોય છે. પરંતુ જેમની પાસે કોઇ સત્તા નથી છતાં પણ લોકોની ઉત્તમ સેવા કરી બતાવે એ ખરેખર એક નોંધનીય બાબત છે. હા મિત્રો વાત છે સુરતની. સુરતમાં હાલમાં કોરોનાની મહામારી ને કારણે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. જોકે કોરોના કાળના એક વર્ષમાં સરકાર સદંતર ભવિષ્યના પ્લાનિંગમાં નિષ્ફળ નીવડી છે. ત્યારે કેટલાક સમાજસેવકો અને કેટલાક સમાજસેવી રાજનેતાઓ લોકોની મદદ માટે આગળ આવ્યા છે તે ખૂબ સારી બાબત છે. શહેરમાં હોસ્પિટલ ઉભરાઇ રહી છે. પૂરતા બેડ નથી, ઓક્સીજન નો અભાવ છે ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં સત્તા ન હોવા છતાં પણ આમ આદમી પાર્ટી દ્વારા લોકોની સેવા માટે ઠેરઠેર આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે જેની પ્રશંસા કરીએ એટલી ઓછી છે.
એવું નથી કે આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા પછી રાજનેતાઓ પોતાની જવાબદારી માથી મુક્ત બની જાય. આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા જ્યા આઇસોલેશન સેન્ટરો શરૂ કરાયા છે ત્યાં આવતા દર્દીઓની સારસંભાળ ખુદ નગરસેવકો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાથી ક્યાંકને ક્યાંક સત્તાધારી પક્ષના પેટમાં તેલ રેડાયું હોઇ કમિશનરના જાહેરનામાના ભંગ ના ઓથા હેઠળ ગઈકાલે રાજકીય હાથો બનેલી સુરત પોલીસે આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત કરી દીધી હોવાનો આક્ષેપ આપના નેતા ગોપાલ ઇટાલીયા એ કર્યો હતો. જોકે ગોપાલ ઇટાલીયા એમ પણ જણાવ્યું હતું કે પોલીસ ને હાથો બનાવી સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીના નગરસેવકોને ગમે એટલો ડરાવવાનો પ્રયત્ન કરે પરંતુ આમ આદમી પાર્ટીના નગરસેવકો લોકોની સેવા માંથી પીછે હઠ કરશે નહીં.
અને આ આ બાબતની પ્રતીતિ કરાવતો કિસ્સો ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટી દ્વારા તૈયાર કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના સૌથી નાની વયના કોર્પોરેટર પાયલબેન સાકરીયા એ આખી રાત આઇસોલેશન સેન્ટરમાં હાજર રહીને દર્દીઓની સાર સંભાળ લીધી હતી અને આ તમામ દર્દીઓને તેમની દીકરીની જેમ હૂંફ અને પ્રેમ આપ્યો હતો. તેમજ આ તમામ દર્દીઓ ઝડપથી સાજા થઇ જાય એવી તેમણે પ્રભુ પ્રાર્થના કરી શુભકામના પાઠવી હતી. જોકે પાયલ સાકરીયા સહિત આમ આદમી પાર્ટીના જેટલા પણ નગરસેવકો છે એ નગરસેવકો સાચા અર્થમાં આ કોરોનાની મહામારી માં લોકોની સેવામાં તન મન અને ધનથી જોડાઈ ગયા છે. ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા આ નગરસેવકોને લોકોની સેવા કરતા અટકાવવાનો જે હીન પ્રયાસ થયો છે એ ખરેખર રાજનીતિના ઇતિહાસમાં એક નિંદનીય બાબત છે.