.......છેવટે સી.આર.પાટીલે મેયરને વેરા માફી માટે કેમ પત્ર લખવો પડ્યો ? અગાઉ નનૈયો ભણતા મેયરે કેમ થૂકેલું પાછું ગળવું પડ્યું ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સુરત મહાનગર પાલિકામાં ભાજપના 93 નગરસેવકો જ્યારે આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોની જીત થઇ હતી. જો કે કોંગ્રેસનો સુરતમાંથી બિલકુલ સફાયો થઈ ગયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના 27 નગરસેવકોની જીત થતા જ ભાજપ પ્રદેશપ્રમુખ આર પાટીલને મોટી ફાળ પડી હતી અને રઘવાયા બનેલા સીઆર પાટીલે પોતાના ભાષણમાં જાહેરમાં વેદના વ્યક્ત કરતાં કહ્યું કે, સોનાની થાળીમાં લોઢાનો હથોડો પડ્યો છે.
જોકે 27 આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પ્રથમ દિવસથી જ પોતાની કામગીરી શરૂ કરી હતી અને સોશિયલ મીડિયામાં તેમની આ કામગીરી જોરશોરથી વાઇરલ થવા લાગી હતી. આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પ્રથમ દિવસે જ મેયર પાસે વિવિધ વેરાઓની માફી મુદ્દે રજૂઆત કરી હતી. જેને લઇ અકળાયેલા મેયરે સંતોષકારક જવાબો આપ્યા ન હતા. જોકે આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે વેરામાં માફી આપવા મુદ્દે રજૂઆત કરવામાં આવી ત્યારે વેરાઓ માં કોઈપણ પ્રકારની માફી આપવા મુદ્દેની તૈયાર ન હોય તેવું તેમની વાતો પરથી સ્પષ્ટ પણે જણાઇ આવતું હતું.
પરંતુ સુરત નવસારીના સાંસદ એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પરિસ્થિતિનો તાગ મેળવી આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ફટકો ન પડે તે હેતુથી તેમણે મેયરની વિવિધ વેરામાં માફી આપવા મુદ્દે લેખિતમાં રજૂઆત કરી. જોકે સી આર પાટીલ ની રજૂઆત બાદ તરત જ બજેટમાં વેરામાં માફી આપવાની જાહેરાત કરવામાં આવી. જોકે આમાં મેયરે થૂંકેલું પાછું ગળવું પડ્યું. વિવિધ વેરાઓમાં માફી આપીને આખરે સુરત મહાનગરપાલિકાએ દિલ્હી મોડેલને સ્વીકારવું પડ્યું તે જાહેર સત્ય છે.
જોકે સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં ભાજપનો મોટા પાયે સફાયો થયો તે જોતાં એવું લાગતું હતું કે આવનારી 2022 ની ચૂંટણીઓમાં પણ સુરતના કતારગામ અને વરાછા માં ભાજપને મોટો ફટકો પડી શકે એમ છે જેથી અગાઉથી જ સતર્ક બનેલા પ્રદેશપ્રમુખ આર પાટીલે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી વેરામાફી ની રજૂઆત ઉપર મંથન કર્યા બાદ છેવટે વેરા માફી ના મુદ્દાને સ્વીકારવો પડ્યો.