Exclusive ઈન્ટરવ્યુ : 2022 ની વિધાનસભાની ચૂંટણીઓને લઈ AAP નેતા ઈશુદાન ગઢવીનું મોટું નિવેદન ? બુટલેગર અંગે કર્યો ધડાકો

Exclusive ઈન્ટરવ્યુ : 2022 ની વિધાનસભાની ચૂંટણીઓને લઈ AAP નેતા ઈશુદાન ગઢવીનું મોટું નિવેદન ? બુટલેગર અંગે કર્યો ધડાકો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  પૂર્વ પત્રકાર તેમજ આમ આદમી પાર્ટીના નવનિયુક્ત નેતા ઈશુદાન ગઢવી આજે એક દિવસીય સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે સુરતના તક્ષશિલા કાંડ માં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ પાર્ટીના કાર્યકરો અને નગરસેવકો સાથે બેઠક પણ કરી હતી. આજે સાંજે પાંચ વાગે સુરત સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને પણ તેમણે સંબોધી હતી. મોર્નિંગ ન્યુઝ ફોકસ ને આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેમણે કેટલાક મહત્વના ખુલાસા કર્યા હતા.

પ્રશ્ન :  કેજરીવાલે 182 સીટ પર 2022માં ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ અનેક જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીનું સંગઠન જોઈએ એટલું મજબૂત નથી. તો આ દિશામાં તમે કેવી રીતે કામ કરશો ?

ઈશુદાન ગઢવી :  આમ આદમી પાર્ટી આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં 182 સીટ ઉપર તેમના ઉમેદવાર ઉભા રાખશે એ નિશ્ચિત છે. હવે ગુજરાતના જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવા માટેની રણનીતિ સમયમાં તૈયાર કરવામાં આવશે અને એ પ્રમાણે કાર્યકરો સાથે મળી સમગ્ર રાજ્યમાં સંગઠન મજબૂત બનાવવા માટે કામે લાગીશુ.

પ્રશ્ન :   2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં કઈ પાર્ટી નો ડૂબતો સૂરજ અને કઈ પાર્ટી નો ઉગતો સૂરજ તમને દેખાય છે ?

ઈશુદાન ગઢવી   :   હાલમાં ગુજરાતમાં ભાજપનું શાસન છે. કોંગ્રેસ વિપક્ષમાં છે, છતાં પણ વિપક્ષ ને લાયક રહી નથી. તો બીજી બાજુ કોરોનાની મહામારી માં ભાજપ સરકારની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. જેનાથી સમગ્ર ગુજરાતની જનતા હવે ક્યાંક ને ક્યાંક ત્રસ્ત બની ગઈ છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ માં ખરી ઉતરવા માટે પ્રયત્ન કરશે. 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી સરકારમાં આવશે એવો મને વિશ્વાસ છે. આજે સુરતથી કરેલી શરૂઆત ગાંધીનગર સુધી જશે.

પ્રશ્ન :    ઈશુદાન ભાઈ તમે એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે તમે આમ આદમી પાર્ટીમાં એટલા માટે જોડાયા કારણકે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલએ કોઈ માજી બુટલેગર નથી પરંતુ શિક્ષિત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિ છે. તો આ 'બુટલેગર' શબ્દ ને લઈને તમે કોની સામે ઈશારો કર્યો હતો ?

ઈશુદાન ગઢવી : હાલમાં રાજકારણમાં રહેલા અનેક નેતાઓ ની પ્રતિભા ક્યાંકને ક્યાંક ખરડાયેલી છે. કેટલાક ક્રિમિનલ છે, તો કેટલાક બુટલેગરો પણ છે. હું કોઈ ચોક્કસ વ્યક્તિ તરફ નહિ પરંતુ રાજકારણમાં આવા ક્રિમિનલ માનસિકતા ધરાવતા લોકો ઘૂસી ગયા છે. ત્યારે રાજકીય ગંદકીને સાફ કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે અને લોકોને એક સ્વચ્છ રાજનીતિ નો અહેસાસ કરાવશે.