સુરત : મોડી રાત્રે લક્ઝૂરિયસ કારચાલકે 3 મોપેડને અડફેટે લેતાં મહિલાનું મોત, ચાલક જાણીતી બેકરીનો માલિક, કારમાંથી દારૂની બોટલો મળી?
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરતમાં રાત્રીના સમયે જાહેર માર્ગો પર લબર મૂછીયાઓ દ્વારા બાઈકના સ્ટંટ કરવા એ કોઈ નવી વાત નથી.એટલું જ નહીં શહેરના પોશ વિસ્તારમાં રાત્રીના સમયે ચાલકો દ્વારા ઓવર સ્પીડે વાહનો હંકારી અકસ્માતો સર્જવા એ પણ કોઈ નવી વાત નથી.જો કે પોલીસ લોકો પાસેથી ટ્રાફિકના દંડ ઉઘરાવવા સિવાય કોઈ ખાસ અસર કારક કામગીરી કરતી નથી.ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે જાણીતી અતુલ બેકરીના માલિકે પૂર ઝડપે કાર હંકારી 3 જેટલા મોપેડને અડફેટે લેતા એક મહિલાનું મૃત્યુ થયું હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.તેમજ ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં રાત્રે GJ 05 RM 1863 નંબરની લક્ઝુરિયર કાર પૂર ઝડપે આવી રહી હતી. જેણે વેસુ વિસ્તારમાં એક સાથે ત્રણ મોપેડ ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બે થી ત્રણ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી પણ માહિતી મળી રહી છે અકસ્માતમાં એક મહિલાનું પણ મોત થયું છે.જો કે આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે.
અકસ્માત થયા બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કાર માલિકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસને કારમાંથી દારૂની બોટલો પણ મળી હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે. કાર ચાલક અન્ય કોઈ નહીં પરંતુ સુરતની જાણીતી બેકરી અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા હોવાનું સામે આવી રહ્યું છે. આ અકસ્માતના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અકસ્માત સ્થળેથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તે દારૂના નશામાં હોય તેવો લોકો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસે હાલ અકસ્માત અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.