નારાજગી / PM મોદીએ CM, Dy CM, પ્રદેશ પ્રમુખ પંચાલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યો ને આપી કડક ચેતવણી :કારણ છે ચોંકાવનારું

નારાજગી / PM મોદીએ CM, Dy CM, પ્રદેશ પ્રમુખ પંચાલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યો ને આપી કડક ચેતવણી :કારણ છે ચોંકાવનારું

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન એ અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મંત્રીમંડળ સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં સ્પષ્ટ સંદેશ આપ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. લગભગ પોણો કલાક ચાલેલી બેઠકમાં તેમણે સરકારી કામગીરીને માત્ર ફોટોગ્રાફી કે પ્રચાર સુધી મર્યાદિત ન રાખી તેને જનહિતના અભિયાન તરીકે અમલમાં મૂકવા, શાંતિપૂર્વક, આયોજનબદ્ધ અને પરિણામલક્ષી રીતે કામ કરવા તેમજ સત્તાના હોદ્દા છતાં જમીન સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી હોવાનું સામે આવ્યું છે. આ માર્ગદર્શનને ઘણા લોકો રાજ્ય સરકારની કાર્યશૈલી અંગેના ગંભીર સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે.

બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કેટલાક ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો તથા કેટલાક મંત્રીઓની કથિત નિષ્ક્રિય કામગીરી, માત્ર ફોટો સેશન સુધી સીમિત રહેલી પ્રવૃત્તિઓ અને પ્રજાના પ્રશ્નોના નિકાલમાં થતી ઢીલાશ અંગે સતત ફરિયાદો વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાને બેઠક દરમિયાન આપેલું માર્ગદર્શન માત્ર સામાન્ય સલાહ ન હતું, પરંતુ જવાબદારી નિભાવવામાં બેદરકારી દાખવનારાઓ માટે કડક ચેતવણી સમાન હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

જો રાજ્યમાં ખરેખર જનપ્રતિનિધિઓ અને સત્તાધીશો પ્રજાના પ્રશ્નો પ્રત્યે ગંભીર હોત, તો વડાપ્રધાનને આવી ટકોર કરવાની જરૂર પડત નહીં, એવી ચર્ચા પણ તેજ બની છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ બેઠકને ગુજરાત સરકારના નિષ્ક્રિય નેતાઓ પ્રત્યે વડાપ્રધાનની નારાજગી તરીકે જોવી જોઈએ, કે પછી આગામી સમયમાં રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારોની કામગીરીમાં વાસ્તવિક પરિવર્તન જોવા મળશે? આ પ્રશ્નોના જવાબ હવે મેદાનમાં દેખાતી કામગીરી જ આપશે.