ઊંઝા : નગર પાલિકાની કામગીરી લોલમ લોલ ! પ્રમુખ ની નિષ્ક્રિયતા સામે નગરજનોમાં રોષ

ઊંઝા : નગર પાલિકાની કામગીરી લોલમ લોલ ! પ્રમુખ ની નિષ્ક્રિયતા સામે નગરજનોમાં રોષ

ઊંઝા - ઐઠોર રોડ પર કેવલેશ્વર મહાદેવ મંદિર આગળ નગરપાલિકાની લાઈટનો થાંભલો તૂટી જતાં અકસ્માતનો ભય

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના ) : ઊંઝા: શહેરના ઐઠોર રોડ પર આવેલા કેવલેશ્વર મહાદેવ મંદિર નજીક નગરપાલિકાની સ્ટ્રીટ લાઈટનો થાંભલો તૂટી ગયેલી હાલતમાં પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ સ્થળ ચાર રસ્તા પર આવેલું હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું ગંભીર જોખમ ઉભું થયું છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર તૂટી ગયેલા થાંભલા અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ચાર રસ્તા વિસ્તારમાં સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી જો સમયસર થાંભલો દૂર કરીને નવી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈપણ સમયે અકસ્માત સર્જાઈ શકે છે. ખાસ કરીને રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની શકે છે.

નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખના કાર્યકાળ દરમિયાન તંત્રની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જાહેર સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દાઓમાં તાત્કાલિક પગલાં ભરવાની જરૂર હોવા છતાં તંત્રની ઉદાસીનતા ચર્ચાનો વિષય બની છે.

સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી તૂટી ગયેલા થાંભલાનું સમારકામ કરવા તેમજ અકસ્માતની સંભાવના ટાળવા જરૂરી સુરક્ષા પગલાં ભરવાની માંગ કરી છે. જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો કોઈ અનિચ્છનીય ઘટના બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.