ઊંઝા જેસીસ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ મહોત્સવનું આયોજન
"આજનું વૃક્ષારોપણ, કાલનું રક્ષણ" – હરિયાળું પર્યાવરણ જ આવનારી પેઢીનું સુરક્ષિત ભવિષ્ય છે. અલ્કેશ પટેલ, પ્રમુખ ઊંઝા જેસીસ
મોર્નિંગ ન્યુઝ ફોક્સ (જશવંત પટેલ ) : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ઊંઝા જેસીસ દ્વારા "આજનું વૃક્ષારોપણ, કાલનું રક્ષણ"ના સૂત્ર સાથે ભવ્ય વૃક્ષારોપણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતન અને હરિયાળા ભવિષ્યના સંકલ્પ સાથે હાથ ધરાયેલા આ અભિયાનને નગરજનો તરફથી વ્યાપક આવકાર અને પ્રશંસા મળી રહી છે.
ધરતી માતાનું ઋણ ચૂકવવાના ઉમદા હેતુથી ઊંઝા જેસીસ દ્વારા વર્ષ 2025થી શરૂ કરાયેલ હરિયાળી અભિયાન અંતર્ગત ઊંઝા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. "એક વૃક્ષ 100 પુત્ર સમાન"ના સંદેશને આત્મસાત કરીને સંસ્થાના સભ્યો માત્ર વૃક્ષોનું વાવેતર જ નહીં, પરંતુ તેના જતન અને સંવર્ધનની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.
આ પ્રસંગે જેસીસના હોદ્દેદારો અને કાર્યકરોએ પર્યાવરણ સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગને વૃક્ષારોપણ કરવા તથા પ્રકૃતિના સંવર્ધનમાં યોગદાન આપવા અપીલ કરી હતી. વૃક્ષો આવનારી પેઢીને શુદ્ધ હવા, સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ જીવન પ્રદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઊંઝા અને આજુબાજુના વિસ્તારોમાં હરિયાળી ચાદર પાથરવાના આ ભગીરથ કાર્યથી સ્થાનિક સ્તરે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પહોંચ્યો છે. સંસ્થાના આ પ્રયાસોથી લોકોમાં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બની રહી છે.
પર્યાવરણની અમૂલ્ય સેવા અને લોકકલ્યાણના આ કાર્ય બદલ ઊંઝા જેસીસ પરિવારના તમામ હોદ્દેદારો, સભ્યો અને કાર્યકરોને નગરજનો દ્વારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમાજહિત અને પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવતા આવા પ્રયાસો અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.