ભાજપ શાસકોના પાપે સુરત ડૂબ્યું ! પક્ષીય નેતા ને બદલે સાચા જનસેવક બનો
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : આમ આદમી પાર્ટીના નેતા મૌલિક પટેલે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપના શાસકો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે રાજ્યના મેયર, નગરપાલિકા પ્રમુખ અને અન્ય ચૂંટાયેલા હોદ્દેદારો જનતાના પ્રશ્નો કરતાં ભાજપના કાર્યક્રમો અને પક્ષીય પ્રવૃત્તિઓમાં વધુ વ્યસ્ત રહે છે. તેના કારણે નગરજનોની મૂળભૂત સમસ્યાઓનું સમયસર નિરાકરણ આવતું નથી.
મૌલિક પટેલે જણાવ્યું કે, રાજનીતિ ના સિદ્ધાંતો મુજબ કોઈપણ વ્યક્તિ એકવાર જાહેર હોદ્દો સંભાળે ત્યારબાદ તે માત્ર પોતાના પક્ષનો નહીં પરંતુ સમગ્ર જનતાનો પ્રતિનિધિ બને છે. તેથી તેની પ્રથમ ફરજ જનહિત અને જાહેર સેવા હોવી જોઈએ. પરંતુ ભાજપના ઘણા સ્થાનિક શાસકો આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો.
તાજેતરમાં પડેલા ભારે વરસાદનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે રાજ્યના અનેક શહેરોમાં વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા, ગટરોની સમયસર સફાઈનો અભાવ અને આયોજનમાં બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. તેમણે આ માટે સ્થાનિક શાસકોની નિષ્ક્રિયતા અને વહીવટી તંત્ર પર યોગ્ય દેખરેખના અભાવને જવાબદાર ગણાવ્યા.
સુરતમાં સર્જાયેલી જળબંબાકાર જેવી સ્થિતિ અંગે મૌલિક પટેલે આક્ષેપ કર્યો કે લાંબા સમયથી સત્તામાં રહેલા ભાજપના શાસકોના નબળા આયોજન અને બેદરકારીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમના જણાવ્યા મુજબ, સમયસર યોગ્ય આયોજન અને કામગીરી કરવામાં આવી હોત તો આવી સ્થિતિને ઘણી હદ સુધી ટાળી શકાય તેમ હતી.
મૌલિક પટેલે રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના શાસકોને પક્ષીય કાર્યક્રમો કરતાં જનહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા, શહેરોની મૂળભૂત સુવિધાઓ મજબૂત બનાવવા અને નાગરિકોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવાની માંગ કરી હતી.