સુરતીઓ પાણીમાં ત્રસ્ત, ભાજપના નેતાઓ નાસ્તામાં મસ્ત : વાયરલ વીડિયોને લઈ ઉઠ્યા સવાલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : સુરત: છેલ્લા બે દિવસથી પડેલા ધોધમાર વરસાદને કારણે સુરત શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ક્યાંક વીજ પુરવઠો ખોરવાયો છે તો ક્યાંક પરિવારોને ભોજન અને જરૂરી સુવિધાઓ માટે મુશ્કેલી પડી રહી છે.
આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સુરત મહાનગરપાલિકા સદનમાં કેટલાક ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ નાસ્તો કરતા અને વિવિધ સમિતિઓના ચેરમેન પદ અંગે ચર્ચા કરતા હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયો વાયરલ થતાં લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શહેરના નાગરિકો મુશ્કેલીમાં હોય ત્યારે જનપ્રતિનિધિઓએ મેદાનમાં રહીને રાહત અને બચાવ કામગીરીમાં વધુ સક્રિય રહેવું જોઈએ કે પછી સત્તાકીય બેઠકો અને પદોની ચર્ચામાં વ્યસ્ત રહેવું જોઈએ તેવી ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે.
પ્રજા ભારે સંકટમાંથી પસાર થઈ રહી છે, જ્યારે જનપ્રતિનિધિઓ પ્રત્યે સંવેદનશીલતા અને જવાબદારીનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે, વાયરલ વીડિયોમાં દેખાતી બેઠક કયા સંદર્ભમાં હતી અને તે ક્યારેની છે તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
શહેરમાં હાલ સૌથી મોટી જરૂરિયાત અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત પહોંચાડવાની, પાણીના નિકાલની કામગીરી તેજ કરવાની અને મુશ્કેલીમાં મુકાયેલા નાગરિકોને તાત્કાલિક સહાય પૂરી પાડવાની છે. જનતા પણ હવે પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી વધુ જવાબદારી અને મેદાની કામગીરીની અપેક્ષા રાખી રહી છે.