26 વર્ષની નિસ્વાર્થ સેવાઓની કદર : મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે ઐઠોરના આશિષ પટેલનું સન્માન કર્યું

26 વર્ષની નિસ્વાર્થ સેવાઓની કદર : મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે ઐઠોરના આશિષ પટેલનું સન્માન કર્યું

મોર્નિંગ ન્યુઝ ફોક્સ, ઐઠોર : ધાર્મિક, સામાજિક અને સેવાકીય ક્ષેત્રે છેલ્લા 26 વર્ષથી એકધારી નિસ્વાર્થ સેવાઓ આપતા ઐઠોરના આશિષ પટેલનું મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આશિષ પટેલની લાંબા સમયથી ચાલતી નિસ્વાર્થ, બિનરાજકીય, તટસ્થ અને સેવાભાવી પ્રવૃત્તિઓની કદરરૂપે સાંસદશ્રીએ તેમને સાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કર્યું હતું.

આશિષ પટેલ દ્વારા છેલ્લા 26 વર્ષથી વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાકીય ક્ષેત્રોમાં સતત કરવામાં આવતી સેવાઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. તેમની સેવાભાવનાને બિરદાવતા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આવા સેવાભાવી લોકો સમાજની સાચી શક્તિ છે અને તેમની નિસ્વાર્થ સેવાઓને સન્માનિત કરવી એ સમાજની જવાબદારી છે.

આ સન્માન માત્ર આશિષ પટેલનું જ નહીં, પરંતુ તેમના પરિવાર, સહયોગ ગ્રુપના સેવકો, મિત્રો, દાતાઓ અને સમગ્ર ઐઠોર ગામનું ગૌરવ છે. આવા સન્માનથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને વધુ ઉત્સાહ, નવી ઊર્જા અને સમાજસેવા માટે પ્રેરણા મળે છે.

આ પ્રસંગે સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશાં સમર્પિત રહેનારા રમેશભાઈ પટેલ, ઐઠોર (પાટીદાર સમાજના અગ્રણી અને સમાજસેવક), સુદીપભાઈ પટેલ, ઊંઝા (જીવદયા પ્રેમી, ગૌપ્રેમી અને સમાજસેવક) તેમજ ભાવેશભાઈ બારોટ, ઊંઝા (જહુ માતાજી સેવક પરિવાર) સહિતના સેવાભાવી મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સન્માન બદલ ઉપસ્થિત સૌએ મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલનો શ્રી ગણપતિ દાદા ઐઠોરનો ફોટો અર્પણ કરી તથા સાલ ઓઢાડી આભાર વ્યક્ત કર્યો હતો.

26 વર્ષની નિસ્વાર્થ સેવાઓને મળેલું આ સન્માન સમાજમાં સેવાભાવના, માનવતા અને સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવનાર પ્રસંગ બની રહ્યો હતો.