ઊંઝા : શરમ કરો શાસકો ! શું વોર્ડ નં 1 માં ભાજપા ઉમેદવારોને બિન હરીફ કરવાનું પરિણામ જનતા ભોગવી રહી છે ?
ઊંઝા વોર્ડ નં. 1માં ગટરનું ગંદુ પાણી ઉભરાયું, ભાજપના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ પણ ઠપ્પ?
શિવ કૃપા સોસાયટી પાસે ગટર સમસ્યાથી લોકો ત્રાહિમામ, અનેક રજૂઆતો છતાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય
વોર્ડ નં. 1માંથી ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા છતાં સમસ્યા યથાવત્, ‘બિનહરીફ જીતવાનો જનતાને આ બદલો?’

મોર્નિંગ ન્યુઝ ફોક્સ (સુના સો ચુના ) : ઊંઝા નગરપાલિકામાં ભાજપના શાસન વચ્ચે શહેરના વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાઓની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. શિવ કૃપા સોસાયટી પાસે ગટરનું ગંદુ પાણી વારંવાર ઉભરાતું હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં ન આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ગટરનું પાણી રસ્તા પર ફરી વળવાના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકી અને દુર્ગંધના કારણે આસપાસના રહેવાસીઓ પણ પરેશાન બન્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
ઉપપ્રમુખનો વોર્ડ, છતાં સમસ્યાનો ઉકેલ કેમ નહીં?
વોર્ડ નંબર 1માંથી ઊંઝા નગરપાલિકાના ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા છે. તેમ છતાં તેમના જ વોર્ડમાં ગટર જેવી પાયાની સમસ્યા લાંબા સમયથી યથાવત્ રહેતા હવે નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે પોતાના વોર્ડની પ્રાથમિક સમસ્યા હલ કરવામાં નગરપાલિકા નિષ્ફળ જાય છે, ત્યારે શહેરના બાકીના વિસ્તારોના વિકાસની વાતો કેટલી હદે સાચી?
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે શું ભાજપના કોર્પોરેટરોને બિનહરીફ ચૂંટાવાનો ‘બદલો’ જનતાને ગટરનું ગંદુ પાણી અને અસુવિધાના સ્વરૂપમાં મળી રહ્યો છે?
ચૂંટણી સમયે વાયદા, હવે બતાવશે કાયદા ?
ચૂંટણી દરમિયાન વિકાસ અને પ્રાથમિક સુવિધાઓના વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ નાગરિકોની રોજિંદી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની વાત આવે ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વોર્ડ નંબર 1ના રહેવાસીઓનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી.
સ્થાનિક નાગરિકોનો સવાલ છે કે ગટરનું પાણી રસ્તા પર ઉભરાય ત્યાં સુધી નગરપાલિકા તંત્ર રાહ જોશે કે પછી સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે?
વોર્ડ નંબર 1ના રહેવાસીઓએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી ગટર લાઇનની તપાસ કરી, જરૂરી સફાઈ અને મરામત હાથ ધરી ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી છે.
હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર નાગરિકોના આક્રોશને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે છે કે પછી ‘રજૂઆત કરો અને રાહ જુઓ’ની નીતિ જ ચાલુ રાખે છે !