ઊંઝા : શરમ કરો નેતાજી ! શહેરની સ્વચ્છતા વ્યવસ્થા સામે નેતાઓ નું "ફોટોસેશન પોલિટિક્સ" !
મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : ઊંઝા શહેરમાં સ્વચ્છતા અંતર્ગત ભાજપના નેતાઓ દ્વારા હાથમાં સાવરણા લઈને સફાઈ કરતા ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. ફોટોમાં રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર સહિતના આગેવાનો નજરે પડે છે. જોકે, આ દૃશ્યોને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ઊંઝા નગરપાલિકાની સ્વચ્છતા કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી લોકોમાં અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ, કચરા ઉઠાવવાની વ્યવસ્થા, ગટર સમસ્યાઓ અને જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે વારંવાર રજૂઆતો થતી રહી છે. આવા સમયે નેતાઓ દ્વારા થોડા સમય માટે હાથમાં સાવરણા પકડીને કરવામાં આવતા ફોટોસેશનથી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ ખરેખર સ્વચ્છતા છે કે માત્ર પ્રચાર?
સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં જ્યાં વાસ્તવિક સમસ્યાઓ યથાવત છે ત્યાં માત્ર કેમેરા સામે સાવરણા ફેરવવાથી પરિસ્થિતિ બદલાવાની નથી. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો સ્વચ્છતા પ્રત્યે એટલી જ ગંભીરતા હોય તો નગરપાલિકાની કામગીરીમાં સુધારો લાવવા માટે નક્કર પગલાં કેમ લેવામાં આવતા નથી?
નાગરિકોમાં એવી પણ ચર્ચા છે કે જે નેતાઓ સામાન્ય દિવસોમાં ક્યારેય સફાઈ અભિયાનમાં જોવા મળતા નથી, તેઓ ખાસ કાર્યક્રમો દરમિયાન જ સાવરણા હાથમાં લઈને સ્વચ્છતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરે છે. પરિણામે લોકો પૂછવા લાગ્યા છે કે આ પ્રકારના ફોટોસેશનથી નેતાઓ આખરે શું સાબિત કરવા માંગે છે?
શહેરના જાગૃત નાગરિકોનું માનવું છે કે સ્વચ્છતા માટે પ્રતીકાત્મક કાર્યક્રમો કરતાં વધુ જરૂરી છે અસરકારક આયોજન, જવાબદારી નક્કી કરવી, નિયમિત દેખરેખ રાખવી અને નગરપાલિકાની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવી. જનતાના મતે શહેર ખરેખર સ્વચ્છ બને ત્યારે જ આવા અભિયાનોની વિશ્વસનીયતા સાબિત થશે.