ઊંઝા : નગર સેવક અલ્કેશ પટેલની સક્રિયતા: આનંદો ! હવે ભારે વરસાદમાં પણ અંડરબ્રિજ નીચે નહી અટકે વાહન વ્યવહાર

ઊંઝા : નગર સેવક અલ્કેશ પટેલની સક્રિયતા: આનંદો ! હવે ભારે વરસાદમાં પણ અંડરબ્રિજ નીચે નહી અટકે વાહન વ્યવહાર

ઊંઝા અંડરબ્રિજ હવે વરસાદમાં પણ રહેશે પાણીમુક્ત

નગરપાલિકાના આયોજનથી જટિલ સમસ્યાનો ઉકેલ; સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્કેશ પટેલ સહિત અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : વર્ષોથી વરસાદી મોસમમાં ઊંઝા શહેરના અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગઈ હતી. જોકે, ઊંઝા નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા સુનિયોજિત પ્રયાસોના પરિણામે હવે અંડરબ્રિજ વરસાદ દરમિયાન પણ પાણીમુક્ત રહેતા વાહનવ્યવહાર અવરોધ વિના ચાલુ રહ્યો છે.

નગરપાલિકાના ઓફિસર જીતેન્દ્રકુમાર પટેલ, એન્જિનિયર જયદીપભાઈ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્કેશ પટેલ દ્વારા સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અંડરબ્રિજમાં ભરાતું વરસાદી પાણી ઝડપથી બહાર કાઢી શકાય તે માટે પમ્પિંગ સિસ્ટમ કાર્યરત કરી તેની ચકાસણી કરવામાં આવી હતી.

ઉપરાંત, અંડરબ્રિજની બંને બાજુ તેમજ મહિલા કોલેજ તરફથી નવી વરસાદી પાણીની લાઇન જોડવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ વધુ અસરકારક બન્યો છે. ચાલુ વરસાદ દરમિયાન પણ અંડરબ્રિજમાં પાણી ભરાયું નહોતું અને વાહનવ્યવહાર નિયમિત રીતે ચાલુ રહેતા સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.

શહેરમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન વર્ષોથી અત્યંત જટિલ માનવામાં આવતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નગરપાલિકા દ્વારા તબક્કાવાર આયોજન સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. અંડરબ્રિજ ખાતે મળેલી સફળતા આ પ્રયાસોની અસરકારકતા દર્શાવે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્કેશ પટેલ હાલમાં શહેરના વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સ્થળ પર જઈ સમસ્યાઓનું નિરીક્ષણ કરી ઝડપી નિર્ણય લેવાની તેમની કાર્યશૈલીને સ્થાનિકોમાં પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.