ઊંઝા : ભાજપમાં સગાવાદ ને પ્રોત્સાહન : ધારાસભ્યના નજીકના સગાને મળ્યો હોદ્દો : કાર્યકરોની અવગણના ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર પરિવારવાદ, વંશવાદ, સગાવાદ નહીં ચલાવતી હોવાનું રટણ કરવામાં આવે છે. પરંતુ ભાજપના જ કેટલાક ધારાસભ્યો પરિવારવાદ,જૂથવાદ,વંશવાદ અને સગાવાદને પ્રોત્સાહન આપતા હોવાના અનેક કિસ્સાઓ અવારનવાર બહાર આવતા રહે છે. આવો જ એક કિસ્સો ઊંઝા માંથી બહાર આવ્યો છે. જેને લઈને તરેહ તરેહ ની ચર્ચાઓ જાગી છે, તો બીજી બાજુ કાર્યકરોમાં છૂપી નારાજગી હોવાનું પણ ચર્ચાય છે.
ચર્ચાતી વિગતો મુજબ, ઊંઝાના ધારાસભ્ય પોતાના વિસ્તારની પ્રજાની સમસ્યાઓને ઉકેલવામાં નિષ્ક્રિય રહ્યા છે તો બીજી બાજુ માત્ર અને માત્ર સત્તાની જ રાજનીતિ કરતા હોવાનું ચર્ચાય છે.
અગાઉ એશિયાની સૌથી મોટી એપીએમસીની ચૂંટણીમાં પણ તેમણે પોતાના નજીકના સગા ને જ ભાજપનો મેન્ડેડ અપાવ્યો હતો જેને લઈને ચર્ચાઓ જાગી હતી.
તો તાજેતરમાં BSNL કમિટીમાં ધારાસભ્યના એક નજીકના સગાને ગોઠવી દેવાયા હોવાની કાર્યકરોમાં કાનાફૂસી ચાલી રહી છે. બીજી બાજુ કાર્યકરોની ક્યાંક ને ક્યાંક અવગણના થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધારાસભ્યના ઇશારે કાર્યકરોની અવગણના કરીને તેમના સગા સંબંધીઓને વિવિધ હોદ્દા ઉપર ગોઠવવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચાઓ છે, ત્યારે સવાલ એ થાય છે કે શું ભાજપ માત્ર નામ પૂરતી જ સગાવાદ અને વંશવાદ નહીં ચલાવી લેવાની વાતો કરે છે કે શું ?