Exclusive: અમદાવાદીઓ ! નવનિયુક્ત પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની વિશેની આ વાતો જાણી તમને પણ થશે ગર્વ !
બંછાનિધિ પાની છે મૂળ ઓડિશાના વતની
2014 માં બેસ્ટ કલેક્ટરનો મળ્યો છે તેમને એવોર્ડ
તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન માં રહી ચૂક્યા છે કમિશનર
સુરત ને સ્વચ્છતા ક્રમમાં બીજા નંબર સુધી લાવ્યા હતા
સુરતને સાયકલિંગમાં પ્રથમ હરોળમાં લાવ્યા હતા
કોરોના દરમિયાન સુરતમાં તેમણે કરી હતી પ્રશંસનીય કામગીરી
સુરત ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે
આ ઉપરાંત શિક્ષણ બોર્ડના ચેરમેનની પણ તેમને કામગીરી સંભાળી છે
બનાસકાંઠા અને ભાવનગરના કલેક્ટર તરીકે તેમણે કરી છે પ્રશંસનીય કામગીરી
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સુરત મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર પંકજ જોશી એ ચીફ સેક્રેટરીનો ચાર્જ સંભાળતા ની સાથે જ આઇએએસ અધિકારીઓને બદલીનો ગંજીફો ચિપ્યો છે. જેમાં સુરતમાં પૂર્વ પાલિકા કમિશનર તરીકે ફરજ બજાવનારા બંછાનીધિ પાનીને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બંછાનીધિ પાની એ સુરત મહાનગરપાલિકામાં કમિશનર તરીકે ના કાર્યકાળમાં સ્વચ્છતા ને લઈને નોંધપાત્ર કામગીરી કરી હતી અને સુરતને બીજી હરોળમાં લાવી દીધું હતું. તો વળી બીજી બાજુ સાયકલિંગમાં સુરતને પ્રથમ હરોળમાં મૂક્યું હતું. સુરત મહાનગરપાલિકાએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ત્યારે શહેરના વિકાસની આ દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર આઇ એ એસ અધિકારી બંછાનીધિ પાની ને હવે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરતા અમદાવાદ શહેરના વિકાસ ની સાથે શહેર સ્વચ્છતા ની હરોળમાં પણ અગ્રણી રહેશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.
બેસ્ટ કલેકટર નો એવોર્ડ મેળવનાર અધિકારી છે IAS બંછાનિધિ પાની
બંછાનિધિ પાની મૂળ ઓડિશાના વતની છે. સનદી અધિકારી તરીકે પસંદ થયા બાદ પાની ગુજરાત કેડરમાં બનાસકાંઠાના કલેક્ટર રહી ચૂક્યા છે. તેમણે ભાવનગરના કલેક્ટર તરીકે કામ કર્યું છે. ભાવનગરમાં દોઢ વર્ષમાં રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ નોંધ લેવાતાં અનેક કામો કર્યા છે. તેમને 2014નો બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે. રાજકોટમાં પાલિકા કમિશનર તરીકે સાયકલ ખરીદીમાં સબસિડી, સફાઈ કર્મચારીઓની હડતાળમાં કડકાઈ અને સ્વચ્છતામાં રાજકોટને દેશના ટોપટેન શહેરોમાં સામેલ કરાવવાની કામગીરી નોંધાવી ચૂક્યા છે.
સુરતમાં કોરોના સંક્રમણ દરમિયાન કરી હતી પ્રસંશનીય કામગીરી
સુરતમાં કોરોના સંક્રમણ ફેલાવાની શરૂઆત થતાની સાથે જ લોકોને સીધો સંદેશ મળી રહે તે માટે તેઓ રોજ સોશિયલ મીડિયામાં બ્રિફીંગ આપતાં હતાં. સાથે જ સમય સંજોગો અનુસાર તેઓ ઓડિયો મેસેજ દ્વારા પણ લોકોને તકેદારીની સૂચનાઓ આપતાં રહે છે.
શહેરમાં કોરોના સંક્રમણ માટે ત્રિપલ ટી-ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીટમન્ટની પધ્ધતિ અપનાવી છે. પાલિકા દ્વારા કોવિડ ટ્રેકર પણ તેમના માર્ગદર્શનમાં વિકસાવવામાં આવ્યું છે. એપીએક્સ સર્વે સહિતની બંછાનિધી પાનીની કામગીરી નોંધપાત્ર છે.
શિક્ષણ બોર્ડના ચેરમેનનો પણ સંભાળ્યો હતો ચાર્જ
અત્રે નોંધનીય છે કે બંછાનીધિ પાની ને સુરત થી બદલીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરાયા હતા જ્યાં તેમણે ઉત્તમ સેવાઓ આપી હતી અને વડોદરા શહેરને પણ સ્વચ્છ બનાવવા માટે પહેલ કરી હતી. આ ઉપરાંત શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે પણ તેમને કાર્યભાર સંભાળેલો છે. અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેરમાં તેઓને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવાની વાત કરી હતી.