Exclusive: ઐતિહાસિક અને ધાર્મિક નગર સિધ્ધપુર અને ઊંઝા ની અવગણના માટે જવાબદાર કોણ ? ધારાસભ્યો કે પાલિકા પ્રમુખો ? ચર્ચાતો સવાલ

Exclusive: ઐતિહાસિક અને ધાર્મિક નગર સિધ્ધપુર અને ઊંઝા ની અવગણના માટે જવાબદાર કોણ ? ધારાસભ્યો કે પાલિકા પ્રમુખો ?  ચર્ચાતો સવાલ

ઐતિહાસિક અને ધાર્મિક નગર સિદ્ધપુર અને ઊંઝાની નગરપાલિકાઓને સરકારે અપગ્રેડ કરવાનું ટાળ્યું 

ખેરાલુના ધારાસભ્ય એ ધારદાર રજૂઆત કરતા ખેરાલુ નગરપાલિકાને કરવી પડી અપગ્રેડ

ઊંઝા અને સિદ્ધપુરના ધારાસભ્ય નું શું સરકારમાં નથી પડતું વજન ? ચર્ચાતો સવાલ

વિસનગર અને કડી કરતાં સિધ્ધપુર અને ઊંઝા નગર ધરાવે છે ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ 

ધાર્મિક મહત્વની ગણાતી પાલીતાણા, ડાકોર, દ્વારકા અને ચોટીલા નગરપાલિકાને કરી અપગ્રેડ 

પૌરાણિક મહત્વ ધરાવતી વડનગર પાલિકા નો પણ  ' અ ' વર્ગમાં કર્યો સમાવેશ

તો પછી સિદ્ધપુર અને ઊંઝાની અવગણના શા માટે ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : તાજેતરમાં રાજ્ય સરકારે રાજ્યની એવી નગરપાલિકાઓ કે જે ધાર્મિક સ્થળોની નગરપાલિકા છે ત્યાં રોજબરોજ આવતાં યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખી આવી ચાર નગરપાલિકા દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોરને અપગ્રેડ કરી છે. વડનગરના ૨૫૦૦ વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થાનને ધ્યાને લઇ વડનગર નગરપાલિકાને ખાસ કિસ્સામાં “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે. ત્યારે મહેસાણા જિલ્લાની ધાર્મિક અને ઔદ્યોગિક રીતે મહત્વની ગણાતી ઊંઝા નગરપાલિકા તેમજ પાટણ જિલ્લાનું સિધ્ધપુર કે જ્યાં સમગ્ર ભારતભરના હિન્દુઓનું આસ્થા કેન્દ્ર એવું બિંદુ સરોવર અને ઐતિહાસિક વિરાસત રુદ્રમાલય તેમજ 360 બારી બારણા વાળું ઐતિહાસિક મકાન ઉપરાંત દાઉદી વ્હોરા કોમના મકાનો પર કરેલું કોતરણી કામ જેની શોભા વધારે છે એવી સિદ્ધપુર નગરપાલિકાની સરકારે અપગ્રેડ કરી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝા નગરપાલિકા એ પાટીદારોની કુળદેવી ઉમિયા માતાનું આસ્થા કેન્દ્ર છે. તેમજ એશિયાનું સૌથી મોટું મંડી બજાર અહીં આવેલું છે. તો બીજી બાજુ સિધ્ધપુર એ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. જે પ્રાચીન નદી સરસ્વતીના કિનારે આવેલું છે. ઉપરાંત અહીં સ્વયંભૂ પંચ શિવમંદિર તેમજ નામાંકિત સંત દેવ શંકર બાપા નો આશ્રમ ઉપરાંત ઐતિહાસિક સ્થળ રુદ્ર મહાલય પણ આવેલ છે. એટલું જ નહીં સમગ્ર ભારત પરના હિન્દુઓ જ્યાં માતૃશ્રાધ્ધ કરવા માટે આવે છે એ માતૃ તીર્થ બિંદુ સરોવર પણ અહીં આવેલું છે. આમ ઊંઝા અને સિદ્ધપુર એ પ્રાચીન નગરો છે. જે ઐતિહાસિક ધાર્મિક અને આર્થિક મહત્વ ધરાવતા નગરો છે. છતાં પણ આ નગરોની નગરપાલિકાને અપગ્રેડ નહીં કરવા પાછળ સરકારનો કયો મનસૂબો હોઈ શકે છે તેને લઈને આ વિસ્તારના લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. 

સિધ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત કે જે વર્તમાન સરકારમાં ઉદ્યોગ મંત્રી છે તેમજ ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ છે. આ બંને ધારાસભ્યોની નિષ્ક્રિયતા પણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કારણ કે આ બંને નગરપાલિકાઓને અપગ્રેડ કરવા માટે સરકારમાં કોઈ રજૂઆત આ ધારાસભ્યો દ્વારા થઈ છે કે કેમ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. વિસનગર અને કડી જેવી નગરપાલિકાઓ કે જે સિદ્ધપુર અને ઊંઝા જેટલું મહત્વ ધરાવતી નથી છતાં પણ તેને અપગ્રેડ કરવામાં આવી ત્યારે સિદ્ધપુર અને ઊંઝા નગરપાલિકાને સરકારે અપગ્રેડ નહીં કરતા કદાચ ક્યાંક ને ક્યાંક આ બંને ધારાસભ્યોનું સરકારમાં વજન નહિ પડતું હોવાની પણ ચર્ચાઓ છે. 

બીજી બાજુ બંને નગરપાલિકાઓના પાલિકા પ્રમુખોની પણ નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જો પાલિકા પ્રમુખો દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવી હોય તો કદાચ સરકાર આ રજૂઆતોને ધ્યાને લઈ યોગ્ય દિશામાં નિર્ણય લઈ શકતી હતી. પરંતુ ઊંઝા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પાલિકાને અપડેટ કરવા માટે કોઈ રજૂઆત નહીં કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, તો સિદ્ધપુર નગરપાલિકામાં પણ આ જ સ્થિતિ હોઈ શકે છે. ત્યારે કહી શકાય કે પાલિકા પ્રમુખોની એટલે કે સત્તાધીશોની નિષ્ક્રિયતા અને ધારાસભ્યોની નગરના વિકાસની ચિંતા કરવાને બદલે માત્ર વોટબેંકની જ રાજનીતિ જ આ બંને નગરપાલિકાઓને અપગ્રેડ થવામાં અવરોધ રૂપ બની હોવાનું મનાય છે.