Exclusive: ઊંઝા નગરપાલિકાની સરકારે ભારોભાર અવગણના કરી : નગરજનોમાં આક્રોશ ! જવાબદાર કોણ ?

Exclusive: ઊંઝા નગરપાલિકાની સરકારે ભારોભાર અવગણના કરી : નગરજનોમાં આક્રોશ ! જવાબદાર કોણ ?

સરકારે મહેસાણા જિલ્લાની વિસનગર અને કડી નગરપાલિકાને અપગ્રેડ કરી ' અ ' વર્ગમાં સમાવેશ કર્યો . વડનગર નગરપાલિકાને પણ કરી અપગ્રેડ

ઊંઝા નગરપાલિકાની બાદબાકી કરાતા નગરજનોમાં ભારે આક્રોશ 

સરકારે વસ્તીના ક્રાઇટ એરિયા ઉપરાંત ધાર્મિક પૌરાણિક મહત્વ તેમજ આર્થિક બાબતોને ધ્યાનમાં લઇ નગરપાલિકાઓને કરી અપગ્રેડ 

ઊંઝા નગરપાલિકાને અપગ્રેડ કરવા માટે સરકારમાં કોઈ જ રજૂઆત થઈ નથી !

ઊંઝા એ એશિયાનું સૌથી મોટું ખેતીવાડી ઉત્પન્ન બજાર તેમજ સમગ્ર ભારત ઉપરાંત દેશ-વિદેશમાં વસતા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાનું પવિત્ર યાત્રાધામ

દરરોજ હજારોની સંખ્યામાં અહીંયા બહારથી યાત્રાળુઓ તેમજ ખેડૂતોનો રહે છે ભારે ઘસારો

પૂર્વ પાલિકા પ્રમુખ દીક્ષિત પટેલે ઊંઝા નગરપાલિકાને બનાવી હતી ઉત્તર ગુજરાતની સૌપ્રથમ iso સર્ટિફાઇડ નગરપાલિકા 

સરકારે ઊંઝા નગરપાલિકાને અપગ્રેડ નહીં કરીને અગાઉ ભાજપને ઘુંટણીએ પાડનાર સત્તાધીશો સામે બદલો લીધો કે શું ? ચર્ચાતો સવાલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં શહેરી વિસ્તારમાં વસતા લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયેલ છે(ભારત સરકારના સેન્સસ ડેટા મુજબ શહેરી વસતી વિકાસ દર ૩૮% છે) તેમજ શહેરી વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો તેમજ ઔદ્યોગિક એકમોના કારણે તે વિસ્તારમાં Floating Populationનું પ્રમાણ વધુ રહેતું હોય છે. નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિવિધ માળખાકિય સુવિધાઓ પૂરી પાડી શકાય તથા લોકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુથી અને રાજયની નગરપાલિકાના વિકાસલક્ષી કામો વધુ સુચારુ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા મથકમાં હોય તેવી નગરપાલિકાઓ સહિત રાજ્યની નગરપાલિકાઓના હાલના વર્ગમાં સુધારો કરવાની બાબત સરકાર ની વિચારણા હેઠળ હતી.

જે પૈકી જિલ્લા મથકની નગરપાલિકા ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ, રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવી છે. વધુમાં રાજ્યની એવી નગરપાલિકાઓ કે જે ધાર્મિક સ્થળોની નગરપાલિકા છે ત્યાં રોજબરોજ આવતાં યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખી આવી ચાર નગરપાલિકા દ્વારકા, પાલીતાણા, ચોટીલા અને ડાકોરને પણ અપગ્રેડ કરવામાં આવી છે. વડનગરના ૨૫૦૦ વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર સ્થાનને ધ્યાને લઇ વડનગર નગરપાલિકાને ખાસ કિસ્સામાં “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે.

આ બધા વચ્ચે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સમગ્ર ઉત્તર ગુજરાતની રાજનીતિ નું કેન્દ્ર અને સમગ્ર એશિયા નું સૌથી મોટું માર્કેટ યાર્ડ ધરાવનાર તેમજ માત્ર ભારત જ નહી બલ્કે દેશ વિદેશ માં પણ વસતા પાટીદારોની કુળદેવી ઉમિયામાતાનું જ્યાં પૌરાણિક મંદિર છે એ ઊંઝા નગર પાલિકાને અપગ્રેડ નહીં કરાતાં સરકાર સામે વ્હાલા દવાલા અને રાજકીય કિન્નાખોરીભર્યા વલણ સામે આ વિસ્તારના લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકારે ઊંઝા નગરપાલિકાને અપગ્રેડ નહીં કરીને અગાઉ ભાજપને ઘુંટણીએ પાડનાર સત્તાધીશો સામે બદલો લીધો કે શું ? ચર્ચાતો સવાલ

ઊંઝા નગરપાલિકામાં ભાજપનું શાસન આવતા સત્તા માટે ડખો પડ્યો હતો. ત્યારે છેવટે વિરોધ પક્ષ સામે ભાજપ ઘૂંટણીયે પડી ગયું હતું અને સમાધાનની ફોર્મ્યુલા અપનાવતા નગરપાલિકાના પ્રમુખ તરીકે દીક્ષિત ભાઈ પટેલને નિયુક્ત કરાયા હતા. દીક્ષિત ભાઈ પટેલે નગરપાલિકા ની સત્તા સંભાળતા ની સાથે જ શહેરના વિકાસને ભારે વેગ આપ્યો હતો. જોકે ઉત્તર ગુજરાતની સૌપ્રથમ ઊંઝા નગરપાલિકાને iso સર્ટિફાઇડ નગરપાલિકા બનાવી હતી. પરંતુ દીક્ષિત ભાઈ દ્વારા શહેરના હિત માટે લેવાતા નિર્ણયોથી ભાજપના જ કેટલાક પ્રદેશ કક્ષા સુધીના નેતાઓના પેટમાં તેલ રેડાયું હતું અને એનકેન પ્રકારે સમાધાનની ફોર્મ્યુલા નો ઉપયોગ કરીને દીક્ષિતભાઈ પટેલને સત્તા પરથી ઉતાર્યા હતા અને વિરોધ પક્ષને ભાજપનો ખેસ પહેરાવીને તેમને સત્તાનું સુકાન સોંપવામાં આવ્યું હતું. પરંતુ વિરોધ પક્ષ સત્તામાં આવ્યા પછી નગરપાલિકાના વિકાસ માટેની રજૂઆતોનો દોર ધીમો પડી ગયો હોય એમ ક્યાંક ને ક્યાંક ઊંઝા નગરપાલિકા ' અ ' વર્ગમાં અપગ્રેડ નહીં થવા પાછળ પણ પાલિકાની રજૂઆત માટેની આળસ જવાબદાર હોઈ શકે છે ?

સરકારે ઊંઝાની અવગણના કરી : નગરજનોમાં આક્રોશ

 પાલિકાના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઊંઝા નગર પાલિકાને અપગ્રેડ કરવા માટે સરકારમાં કોઈ જ રજૂઆત કરવામાં આવી નથી. જો કદાચ દીક્ષિત પટેલ પ્રમુખ પદે હોત તો આજે ઊંઝા નગરપાલિકા અપગ્રેડ થઈને ' અ ' વર્ગમાં આવી ગઈ હોત એવું નગરજનોમાં પણ ચર્ચાઈ  રહ્યું છે. સરકાર દ્વારા વિસનગર અને કડી નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી છે. જોકે સરકારે વસ્તી ની સંખ્યા ઉપરાંત જે ધાર્મિક ,પૌરાણિક અને આર્થિક મુદ્દાઓને કેન્દ્રમાં લઈને પાલિકાઓ અપગ્રેડ કરી છે તે જોતા ઊંઝા નગરપાલિકા નો સમાવેશ થવો જોઈતો હતો. પરંતુ સરકારે ક્યાંક ને ક્યાંક ઊંઝા ની અવગણના કરી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.