ઊંઝા : ખેડૂતો લુટાયા હોવાની ફરિયાદ સામે 'આંખ આડા કાન' કરનાર ધારાસભ્યએ ખેડૂત પેનલમાંથી ઉમેદવારી નોંધાવતા કચવાટ !

ઊંઝા : ખેડૂતો લુટાયા હોવાની ફરિયાદ સામે 'આંખ આડા કાન' કરનાર ધારાસભ્યએ ખેડૂત પેનલમાંથી ઉમેદવારી નોંધાવતા કચવાટ !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીને બિનહરીફ કરવામાં ભાજપ નિષ્ફળ રહેતા હવે છેવટે ભાજપ સામે જ ભાજપે જંગ છેડ્યો છે. જેમાં ધારાસભ્ય જૂથ અને પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ નું જૂથ આમને સામને છે.

મહત્વની વાત એ છે કે ધારાસભ્ય પોતે હોદ્દો ધરાવતા હોવા છતાં પણ તેમને ઊંઝા એપીએમસી માં સત્તા હાંસલ કરવાની ઘેલછા જાગી છે. જોકે બે વર્ષ સુધી ધારાસભ્ય તરીકેની કામગીરીમાં તેઓ નિષ્ક્રિય રહ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્યએ ખેડૂત વિભાગની પેનલમાંથી ઉમેદવારી નોંધાવતા એક નવો જ વિવાદ છંછેડાયો છે.

ખેડૂત વિભાગની પેનલમાંથી ઉમેદવારી નોંધાવનાર ધારાસભ્ય પાસે જ્યારે ખેડૂતો પોતે લૂંટાયા હોવાની ફરિયાદ લઈને ગયા હતા ત્યારે ધારાસભ્યએ આંખ આડા કાન કર્યા હતા. બીજું કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં પણ ખેડૂતો માટે ધારાસભ્યએ કોઈ નોંધપાત્ર કામગીરી કરી હોય તેવું જણાતું નથી. એટલું જ નહીં સમય અગાઉ ઊંઝા તાલુકામાં ફેન્સીંગ તારને લઈને ખેડૂતોને લૂંટવાનું એક મોટું કૌભાંડ પકડાયું હતું ત્યારે પણ ધારાસભ્યએ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી હતી. ખેડૂતોની વેદના ને વાંચા આપવામાં નિષ્ફળ રહેલ ધારાસભ્ય  ખેડૂતોની પેનલમાંથી ઉમેદવારી નોંધાવીને શું સાબિત કરવા માંગે છે તે પ્રશ્ન ચર્ચાની એરણ પર છે.