Exclusive: ઊંઝા : ભાજપ શહેર પ્રમુખની વરણીમાં પાટીદાર ચહેરાની બાદબાકી : ધારાસભ્યએ આપ્યું મહત્વનું નિવેદન

Exclusive: ઊંઝા : ભાજપ શહેર પ્રમુખની વરણીમાં પાટીદાર ચહેરાની બાદબાકી : ધારાસભ્યએ આપ્યું મહત્વનું નિવેદન

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લો એ ભાજપનો ગઢ છે. તો બીજી બાજુ ઊંઝાને પણ ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર માનવામાં આવે છે. એટલું જ નહીં પાટીદારોનો ગઢ ગણાતું ઊંઝા પણ ભાજપનો ગઢ છે. આ વિસ્તારના પાટીદારો હંમેશા ભાજપ સાથે જ રહ્યા છે. જો કે ઊંઝા શહેર અને તાલુકામાં પાટીદારોની વસ્તી બહુમતી માં છે. પણ ભાજપે આ વખતે શહેર પ્રમુખ પદે પાટીદાર ચહેરાની બાદબાકી કરીને ભાજપે પાટીદારોને હાંસિયામાં ધકેલ્યા હોવાનું ચર્ચાય છે.

મહેસાણા જિલ્લા પ્રમુખ અને ઊંઝા શહેર પ્રમુખના ભાજપે પાટીદારો નુ પત્તુ કાપ્યું ! 

પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદારોને હાંસિયા માં ધકેલાયા હોવાની વાતો ચર્ચાસ્પદ બની હતી. તાજેતરમાં મહેસાણા જિલ્લા ભાજપ સંગઠન માં પ્રમુખ તરીકે અને ઊંઝા શહેર ભાજપ સંગઠનના પ્રમુખની વરણીમાં ભાજપે પાટીદાર ચહેરાની સંપૂર્ણ બાદબાકી કરી છે. જોકે ઊંઝા અને મહેસાણામાં ભાજપને બેઠો કરવામાં પાટીદારોનો સક્રિય ફાળો રહેલો છે. પરંતુ ભાજપ દ્વારા આ જ પાટીદારોના પ્રભાવને હવે બિન અસરકારક બનાવવા માટેના જે રાજકીય પ્રયાસો થઈ રહ્યા છે કે શું ? 

સમગ્ર દેશમાં માત્ર ભાજપની બે જ સીટો આવી હતી ત્યારે એક ચહેરો પાટીદાર હતો..

ભાજપના એક જૂના જોગીના જણાવ્યા મુજબ, જ્યારે સમગ્ર દેશમાં ભાજપને માત્ર બે જ સીટો મળી હતી ત્યારે બે સીટો પૈકી એક સીટ મહેસાણા લોકસભાની સીટ હતી જેમાં ભાજપ ના સિમ્બોલ ઉપર એકે પટેલ ચૂંટણી જીત્યા હતા. તો બીજી બાજુ ઊંઝામાં વિધાનસભા સીટ પર 1995 માં પ્રથમવાર ભાજપના નારણભાઈ પટેલ ચૂંટણી જીત્યા હતા. આમ આ બંને સીટો ઉપર આજ દિન સુધી ભાજપનો દબદબો રહ્યો છે. અને ભાજપને જીતાડવામાં પાટીદારોનો સક્રિય સિંહ ફાળો રહ્યો છે.

છેલ્લા 30 વર્ષથી પાટીદારો ભાજપ સાથે અડીખમ

જો ઊંઝા વિધાનસભાની બેઠક વિશે વાત કરીએ તો 1972 માં શંકરલાલ મોહનલાલ ગુરુ, 1975 પટેલ કાંતિલાલ મણીલાલ, 1980 પટેલ કાનજીભાઈ લલ્લુદાસ, 1985 ચીમનભાઈ જીવાભાઇ પટેલ, ત્યારબાદ 1995 માં પ્રથમવાર ભાજપ ને ઊંઝા સીટ પર જીત મળી હતી. જેમાં ઊંઝા સીટ પર પ્રથમવાર નારણભાઈ લલ્લુદાસ પટેલ બીજેપી ના સિમ્બોલ પર ચૂંટણી જીત્યા હતા.જો કે 2017માં સ્વ. ડો. આશાબેન પટેલે નારણ કાકા ને મ્હાત આપી હતી અને તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યાં હતાં. પરંતુ થોડા સમય બાદ આશાબેને પણ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કરતા ફરીથી ઊંઝા સીટ પર ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. આમ ઊંઝા વિધાનસભા સીટ પર શરૂઆતથી જ પાટીદારો નો દબદબો રહ્યો છે.

પાર્ટીનો નિર્ણય બરાબર જ છે : ધારાસભ્ય, ઊંઝા

જોકે છેલ્લા 25 વર્ષમાં ઊંઝા સીટ પર કદાચ પહેલીવાર પાટીદાર ચહેરાની બાદબાકી કરીને અન્ય સમાજને પ્રાધાન્ય અપાયું છે. ત્યારે પાટીદાર ચહેરાની બાદબાકી અંગે ઊંઝા ના ધારાસભ્ય કે કે પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, " પાર્ટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય જ છે." આમ ધારાસભ્યએ પાર્ટીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે પાટીદારો આ નિર્ણયથી ખુશ રહેશે કે પછી નારાજ ? એ તો આવનાર સમય જ બતાવશે !