ભાજપના શાસનમાં ઊંઝા - ઐઠોર રોડની દુર્દશા : જાગૃત નાગરિક ની રજૂઆત પ્રત્યે ધારાસભ્યના આંખ આડા કાન ?

ભાજપના શાસનમાં ઊંઝા - ઐઠોર રોડની દુર્દશા : જાગૃત નાગરિક ની રજૂઆત પ્રત્યે ધારાસભ્યના આંખ આડા કાન ?

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : ઊંઝા - ઐઠોર રોડની સ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં છે, ત્યારે આ રોડને દુરસ્ત કરવા માટે ઐઠોરના જાગૃત નાગરિક એવા આશિષ પટેલે ધારાસભ્યને પત્ર લખીને રોડનું લેવલીંગ કામ કરાવવાની માગણી કરી હતી. પરંતુ ઊંઝા ના ધારાસભ્ય એ જાહેર લોક માંગણી સામે આંખ આડા કાન કર્યા હોવાની નીતિથી ગ્રામજનોની લાગણી દુભાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઐઠોર ગામ એ ગણપતિ દાદા નું સૌથી મોટું યાત્રાધામ છે. ત્યારે ઊંઝાથી આ યાત્રાધામ સુધી જવાનો માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે.જેને લઇને જાગૃત નાગરિક એવા આશિષ પટેલ દ્વારા ધારાસભ્યને 4 માર્ચ 2024 ના રોજ પત્ર દ્વારા રોડને લેવલીંગ કરી દુરસ્ત કરવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારે આશિષ પટેલની આ રજૂઆતને આજે 13 મહિના જેટલો સમય વિતવા છતાં પણ ધારાસભ્ય કાર્યાલય તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ મળેલ નથી. ત્યારે સવાલો એ થાય છે કે શું ધારાસભ્ય આ અંગે આગળ સરકારમાં રજૂઆત કરી છે કે પછી આશિષ પટેલની આ રજૂઆતની અરજી ફાઈલ કરી નાખી છે ?

સૌથી વધારે આશ્ચર્યની વાત કરીએ છે કે તાજેતરમાં જ ઐઠોર ગામે ગણપતિ દાદા નો ભવ્ય મેળો હતો ત્યારે ધારાસભ્ય ખુદ આ મંદિરે દર્શનાર્થે આવ્યા હતા ત્યારે શું એમને આ રોડની દુર્દશા નહીં દેખાઈ હોય ? કે પછી ધારાસભ્ય નું સરકારમાં કંઈ ઉપજતું નથી ? જે હોય તે પણ આ વિસ્તારના લોકો અને યાત્રાળુઓમાં ધારાસભ્ય પ્રત્યે છૂપો રોષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ નારાજગી સપાટી પર દેખાય તો નવાઈ નહીં !