ઊંઝા : પૂર્વ સરપંચની કેન્દ્રીય કમિટી DISHAs માં નિમણૂક થતાં વિવાદ છેડાયો : મનરેગામાં ગેરરીતિના થયેલા છે આક્ષેપ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( સુના સો ચુના ) : કેન્દ્ર સરકાર દ્વારા કાર્યક્ષમ અને સમયબદ્ધ વિકાસ માટે સંસદ, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સરકારો (પંચાયતી રાજ સંસ્થાઓ/મ્યુનિસિપલ સંસ્થાઓ) માં ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ વચ્ચે વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિઓ (DISHA) ની રચના કરવામાં આવી છે.
ત્યારે ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયમાં ગુજરાત પ્રદેશના મહેસાણા જિલ્લામાંથી બિન સરકારી સભ્ય તરીકે દિશા કમિટી (રૂલર ડેવલોપમેન્ટ)માં કંથરાવીના પૂર્વ સરપંચ જયંતિભાઈ બારોટ ને નિમણૂક આપવામાં આવી છે. પરંતુ જયંતીભાઈ બારોટ જ્યારે ગામમાં સરપંચ પદે હતા ત્યારે તેમના કાર્યકાળમાં મનરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ થઈ હતી. જેને લઈને લોકપાલ દ્વારા તત્કાલીન સરપંચ, તલાટી અને પ્રોગ્રામ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ નોંધવા સરકારને જાણ કરાઈ હતી. લોકપાલે જેમની વિરુધ્ધમાં ફરિયાદ નોંધવા સરકારને જાણ કરી હતી એવા તત્કાલીન સરપંચ જયંતીભાઈ બારોટ ની તાજેતરમાં DISHAs કમિટીમાં નિમણૂક થતા એક નવો વિવાદ શરૂ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કંથરાવી ગામના રસિકભાઈ પટેલ દ્વારા સમય અગાઉ મનરેગામાં ભ્રષ્ટાચાર થયો અંગે તાલુકા વિકાસ અધિકારીથી લઈને કલેક્ટર સુધી કરેલી ફરિયાદોનું પરિણામ ન મળતા છેવટે તેમણે લોકાપાલમાં ફરિયાદ કરી હતી ત્યારે ઊંઝા તાલુકાના કંથરાવીમાં મનરેગા યોજનામાં થયેલી ગેરરીતિ મામલે ફરિયાદ નોંધવા લોકપાલે સરકારને આદેશ કર્યો હતો.
લોકપાલે તત્કાલીન સરપંચ, તલાટી અને મનરેગાના તાલુકાના પ્રોગ્રામ ઓફિસર વિરૂદ્ધ ફરિયાદ કરવા મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ, વિકાસ કમિશનર સહિત જિલ્લાના અધિકારીઓને ફરિયાદ નોંધાવા જાણ કરી હતી.
કંથરાવીમાં મનરેગા યોજના અંતર્ગત વનીકરણ, રોડ અને નહેરની કાંસ સફાઈના કામોમાં ખોટા જોબકાર્ડ બનાવીને ગેરરીતિ અંગે રજૂઆતો થઈ હતી. પણ તત્કાલીન સરપંચ ભાજપ ના અગ્રણી હોય જિલ્લાના અધિકારીઓ પાણીમાં બેસી છેવટે લોકપાલને કરાયેલી ફરિયાદ બાદ ગેરરીતિ બહાર આવી હતી.
જોકે આ અંગે લોકપાલમાં ફરિયાદ કરનાર રસિકભાઈ પટેલ જણાવે છે કે સરકાર દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ પગલા ભરાયા નથી તેમ જ તેમની રજૂઆતને મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તેનો કોઈ રિપોર્ટ મળ્યો નથી.