મહેસાણા : મહાનગર પાલિકાનો સત્તાવાર લોગો જાહેર : લોગો માં રહેલી 8 વિશેષતાઓ જાણી મહેસાણાવાસીઓ ને થશે ગર્વ

મહેસાણા : મહાનગર પાલિકાનો સત્તાવાર લોગો જાહેર : લોગો માં રહેલી 8 વિશેષતાઓ જાણી મહેસાણાવાસીઓ ને થશે ગર્વ

મહેસાણા મહાનગર પાલિકાનો લોગો સત્તાવાર જાહેર કરાયો

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કર્યું અનાવરણ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ ( જશવંત પટેલ ) મહેસાણાને મહાનગરપાલિકા જાહેર કરતાની સાથે જ શહેરની કાયાપલટ શશરૂ થઈ છે. મહેસાણા મહાનગરપાલિકાના નવનિયક્ત કમિશનર રવીન્દ્ર ખતલે દ્વારા શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે. ખાસ કરીને સ્વચ્છતાની બાબતમાં મહેસાણાને નંબર વન સુધી પહોંચાડવા માટે મ્યુનિસિપલ કમિશનર અને કર્મચારીઓ દ્વારા અથાક પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મહેસાણા મહાનગરપાલિકાના લોગો અનાવરણ અને ડોર ટુ ડોર ગાર્બેજ વાહનો ને ફ્લેગ માર્ચ નો કાર્યક્રમ યોજાયો હતો.

 મહેસાણા મહાનગરપાલિકાનો લોગો એ શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સાથે વિકાસનો સમતોલ સમન્વય ધરાવે છે. સાથે સાથે વર્તમાન વિકાસના વિઝનને રજૂ કરે છે.મહાનગર પાલિકાના લોગો માં મૂળ મંત્ર नगरस्य उन्नतिः सर्वेषां हितार्थम। અર્થાત " શહેરની પ્રગતિ સૌના હિત માટે છે ". લોગો જે થીમ પર બનાવ્યો છે તેની 8 વિશેષતાઓ નીચે મુજબ છે.

  (1) લોગોમાં દેખાતો સકારાત્મક ઉર્જા થી ઉગતો સૂર્ય અને વિહરતા પક્ષીઓ એ એક નવી શરૂઆત સાથે નવી ઉડાન સૂચવે છે.

 (2) ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહેલું મહેસાણા કે જેના સ્થાપક મેસાજી ચાવડા એ લોગો ના કેન્દ્રસ્થાને દ્રશ્યમાન થાય છે. 

 (3)ગાયકવાડી ગરિમાને પ્રતિકાત્મક રૂપે દર્શાવતો રાજમહેલ એ મહેસાણાના ઐતિહાસિક વારસાને ઉજાગર કરે છે. 

 (4)લોગોમાં દેખાતા બે સૂર્યમુખીના ફૂલ રાજમહેલ ના પ્રભાવશાળી પ્રવેશદ્વાર ની શોભા દર્શાવે છે. 

 (4)લોગોમાં દેખાતી ઈંટો ની દિવાલ 72 કોઠા ની વાવ એ બેનમૂન બાંધકામની સાક્ષી પૂરે છે.

 (5)લોગોમાં દેખાતા શહેરી વિકાસ માટે ખુલ્લા રસ્તા અને લેમ્પોસ્ટ એ આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચરની પરિકલ્પનાઓ ને સર કરવાના વિચારને પ્રેરે છે.

 (6)લોગો માં લીલા રંગમાં દેખાતી હરિયાળી આધુનિક વિકાસ સાથે પર્યાવરણ ની સમતુલા માટેની પ્રતિબધ્ધતા સૂચવે છે.

 (7)લોગો માં દેખાતો કેસરી રંગ એ મહેસાણા ના ભૂગર્ભ માં રહેલા ઓઈલ રૂપી ખનીજના ખજાના ની નિશાની છે.

(8) તો વળી, લોગો ની બહાર દેખાતા ગિયર નો આકાર એ સતત સંશોધન અને ઔધોગિક ઉન્નતિ માટે પ્રેરક પ્રતીક છે.

આમ લોગો એ માત્ર એક ડિઝાઇન નહીં પરંતુ મહેસાણાની ઓળખ, અભિમાન અને સુંદર ભવિષ્યનો દિશાનિર્દેશ છે. સેવા, સહયોગ અને સમૃદ્ધિના લક્ષ સાથે નવા યુગમાં સાથે મળીને પ્રવેશ કરીએ.

અત્રે નોંધનીય છે કે, મહેસાણા વિક્રમ સંવત ૧૪૧૪ માં ચાવડા રાજવંશના મેસાજી ચાવડા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. બાદમાં ગાયકવાડે ૧૯૦૨ માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યું હતું. ૧૯૪૭ માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. તે બોમ્બ રાજ્યનો ભાગ હતું. બાદમાં ૧૯૬૦ માં બોમ્બે રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયું હતું. અને મહેસાણા ગુજરાતનો એક જિલ્લો બન્યું.

મહેસાણા જીલ્લામાં દસ તાલુકા છે: મહેસાણા, કડી, વિસનગર, વિજાપુર, વડનગર, ખેરાલુ, બેચરાજી, સતલાસણા, જોટાણા અને ઉંઝા. મહેસાણા જિલ્લોનો વિસ્તાર ૫૬૦૦ ચો.કિ.મી. છે. ઉત્તર સરહદમાં બનાસકાંઠા જિલ્લો છે અને પશ્ચિમમાં પાટણ જિલ્લાની સરહદ છે. દક્ષિણમાં અમદાવાદ જિલ્લા અને દક્ષિણ-પૂર્વમાં ગાંધીનગર જિલ્લા છે. પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો છે.

મહેસાણામાં ઘણી મોટી શૈક્ષણિક સંસ્થાઓની હાજરી છે. શહેરથી ૧૦ કિમી દૂર આવેલા ગણપત યુનિવર્સિટી, આઈટી, એન્જિનિયરિંગ, ફાર્મસી, કૃષિ, વિજ્ઞાન, મેનેજમેન્ટ, કળા અને વાણિજ્ય જેવા ક્ષેત્રોમાં વિશેષતા આપે છે