વેકસીનેશનને ઝડપી બનાવવા સુરત મહાનગર પાલિકાએ લીધો મોટો નિર્ણય : 1 લાખના ઈનામની જાહેરાત

વેકસીનેશનને ઝડપી બનાવવા સુરત મહાનગર પાલિકાએ લીધો મોટો નિર્ણય : 1 લાખના ઈનામની જાહેરાત

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : લોકો વેક્સિનેશનને લઈને વધુ જાગૃત થાય તે માટે કોર્પોરેશન દ્વારા વિશેષ કરીને યુવાનો વેક્સિનેટેડ થાય તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સમયાંતરે નવા નવા પ્રયોગો કરીને કોર્પોરેશન વેક્સિનેશનની કામગીરીને વેગ આપવા માટેનો પ્રયાસ કરી રહી છે.લોકો ઝડપથી વેક્સિન લેતા થાય અને તેમના પરિવારના લોકો પણ વેક્સિન લે તેવા હેતુથી નવતર પ્રયોગ શરૂ કરવામાં આવી રહ્યા છે.

SMC કમિશ્નર બંછાનિધિ પાની ના નેતૃત્વમાં વેક્સિનેશનની કામગીરી વધારવા માટે નવા-નવા પ્રયાસો હાથ ધરાયા છે. તાજેતરમાં જ વેક્સિનેશન માટે વેક્સિનનો બીજો ડોઝ લેનારને 1 લિટર તેલના પાઉચ આપવામાં આવી રહ્યા છે. હવે કોર્પોરેશન દ્વારા જે કોલેજ સંપૂર્ણપણે વેક્સિનેટેડ હશે તેને રૂપિયા 1 લાખ રૂપિયા સુધીનું ઈનામ આપવામાં આવશે. બીજા સ્થાન પર રહેનાર કોલેજને 75 હજાર અને ત્રીજા સ્થાન પર રહેનારને 50 હજાર સુધીનું ઈનામ આપવામાં આવશે એવી જાહેરાત કરાઈ છે.

કોલેજ દ્વારા તેમની કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ પ્રથમ અને બીજો વેક્સિનનો ડોઝ લીધો હશે. એટલું જ નહીં પરંતુ કોલેજના તમામ સ્ટાફના લોકો તેમના પરિવારના લોકોએ પણ વેક્સિનેશન કરાવવું જરૂરી છે. કોલેજ સાથે બિનશૈક્ષણિક સ્ટાફ હોય તેમણે પણ વેક્સિનેશન કરાવ્યું હોવું જરૂરી છે. કોલેજ દ્વારા કોર્પોરેશનને તમામ વિગતો આપવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા તમામ માહિતીને ક્રોસ ચેક કરાશે
કોલેજ દ્વારા જે માહિતી કોર્પોરેશનને આપવામાં આવ્યા બાદ તેની સ્ક્રૂટિની થશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ માહિતીને ક્રોસ ચેક કરવામાં આવશે. વેક્સિનેટેડ અંગે જે પણ માહિતી આપવામાં આવી હશે તેને બરાબર ચકાસ્યા બાદ જ કોલેજ ઇનામના હકદાર છે કે કેમ તે નક્કી કરવામાં આવશે. જે કોલેજ પોતાનો સમગ્ર ડેટા ઝડપથી કોર્પોરેશનને મોકલશે તેની સ્ક્રૂટિની પહેલા કરવામાં આવશે. તબક્કાવાર જે કોલેજ વિગત આપશે તેને આધારે રૂ. 1 લાખ, 75 હજાર અને 50 હજાર સુધીનું ઇનામ આપવામાં આવશે.