રાજ્ય સરકારે લોકોને માસ્કના 1000 રૂપિયાના દંડ માંથી બચાવવા લીધો મહત્વપૂર્ણ નિર્ણય : રેમડીસીવર ઇન્જેક્શન માટે પણ ભર્યું મહત્વનું પગલું

રાજ્ય સરકારે લોકોને માસ્કના 1000 રૂપિયાના દંડ માંથી બચાવવા લીધો મહત્વપૂર્ણ નિર્ણય : રેમડીસીવર ઇન્જેક્શન માટે પણ ભર્યું મહત્વનું પગલું

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર :  સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા જેટલો દંડ વસૂલવા નો કડક આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં નાક નીચે માસ્ક હોય તો પણ એક હજાર રૂપિયાનો દંડ વસૂલવા માટેની સુચનાઓ રાજ્યના ડીજીપી દ્વારા તમામ પોલીસ મથકોને આપવામાં આવી છે. ત્યારે માસ્કને લઇને રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ટ્વિટર હેન્ડલ પર થી મળતી માહિતી મુજબ રાજ્ય ના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અને અમૂલ પાર્લર ને એક રૂપિયાની નજીવી કિંમતમાં થ્રિ લેયર માસ્ક આપવામાં આવશે. જે સંસ્થાઓને માસ્ક આપવામાં આવશે એ સંસ્થાઓ એક રૂપિયાની પડતર કિંમતે અથવા નજીવી કિંમતે લોકોને માસ્કનું વિતરણ કરી શકશે. જો કે સરકારનો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે પરંતુ હવે જોવું એ રહ્યું કે જે સંસ્થાઓને એક રૂપિયામાં માસ્ક મળવાનું છે એ સંસ્થાઓ હવે આ માસ્કને નામે કાળા બજારી કરશે કે પછી કોરોના ની કપરી સ્થિતિમાં સાચા અર્થમાં સેવાયજ્ઞ કરશે !

જો કે કોરોનાના કેસો વધતા સુરત અને અમદાવાદમાં રેમડીસીવર ઇન્જેક્શનની માંગમાં પણ ખૂબ જ વધારો થયો છે. તો બીજી બાજુ ક્યાંક ઇન્જેક્શનના કાળા બજાર થતાં હોવાની પણ વાતો સામે આવી છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે આ ઇંજેક્શન ની કિંમતમાં તાત્કાલિક ઘટાડો કરવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને રજૂઆત કરી છે. એટલું જ નહીં ઓક્સિજનનું ઉત્પાદન કરતી કંપનીઓ એ 60% ઓક્સિજનનો જથ્થો ગુજરાતની કોવિડ હોસ્પિટલો માટે અનામત રાખવાનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.