Exclusive : ભાજપની રેકર્ડ બ્રેક જીત માટે અસલી હીરો કોણ ?
ગુજરાતમા માધવસિંહ સોલંકીનુ સોશિયલ એન્જિનિયરિંગ ૩૭ વર્ષે સંપૂર્ણ ધ્વસ્ત થઈ ચૂક્યુ છે ! હિન્દુત્વ+મોદીત્વના કૌશલ્યથી રાજકીય ઇતિહાસ બદલાઇ રહ્યો છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો માં ભાજપે તમામ પ્રકારના રેકોર્ડ તોડી નાખ્યા છે અને જંગી બહુમતીથી જીત હાંસલ કરી છે. જોકે માધવસિંહ સોલંકી નો રેકોર્ડ પણ આ વખતે ભાજપે તોડીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જોકે આ વખતે ગુજરાતની મોટાભાગની વિધાનસભા સીટ પર ત્રિ પાંખીઓ જંગ હતો. પરંતુ આ ત્રિપાખીયા જંગમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વધારે કાંઈ ઉકાળી શકી નથી. ત્યારે ભાજપને મળેલી આ જંગી બહુમતી પાછળ ખરેખર અસલી હીરો કોણ? તેને લઈને પણ હવે ચર્ચાઓ શરૂ થઈ છે.
જોકે ભાજપની આ પ્રચંડ જીત પાછળ પ્રથમ તબક્કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને શ્રેય મળી રહ્યો છે. જો કે સી આર પાટીલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સી આર પાટીલે એવું સ્પષ્ટ કહ્યું છે કે ભાજપને 182 માંથી 182 સીટ મળવી જોઈએ. 181 પણ ન ચાલે. નિશાન ચૂક માફ માં હું માનતો નથી. સી આર પટેલ નું આ નિવેદન ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટેનું મહત્વનું ટોનિક સાબિત થયું છે.
તો બીજી બાજુ ગુજરાતમાં જે પ્રમાણે ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ જોવા મળતી હતી. જોકે પાછળથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને બાજી હાથમાંથી સરકી જતી હોય એવું લાગતા તેમણે જાતે જ ગુજરાત ભાજપની કમાન સંભાળી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અનેક ઠેકાણે રોડ શો અને જંગી સભાઓ ને સંબોધિત કરી હતી. એટલું જ નહીં પરંતુ જ્યાં સૌથી મોટો ખતરો માનવામાં આવતો હતો એવા સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કરીને રાજકીય બાજીને ફેરવી નાખી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ અમદાવાદમાં પણ મોટો રોડ શો કરીને તેમણે લોકમાનસ પર એક મોટી છાપ અંકિત કરી દીધી હતી. એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે એક કોમન મેનની જેમ પોતાનો વોટ આપવા માટે ગયા એ દ્રશ્યએ પણ મોદી અને ભાજપ માટે લોકોના માનસ પર એક અનેરૂ સ્થાન ઉપજાવ્યું હતું. જોકે ગુજરાત વિધાનસભાની 2022 ની આ ચૂંટણીમાં ભાજપ એ બનાવેલ નવા રેકોર્ડ પાછળ ક્યાંક ને ક્યાંક સૌથી મોટો શ્રેય નરેન્દ્ર મોદીને ફાળે જાય એમ કહેવામાં અતિશયોક્તિ ભર્યું નથી.