સુરત :વર્ષોથી ના થયું એ કામ મનપા કમિશ્નર શાલિની અગ્રવાલે રાતોરાત કરી નાખ્યું : દરગાહ અને મંદિર તોડી રસ્તો બનાવી દીધો

સુરત :વર્ષોથી ના થયું એ કામ મનપા કમિશ્નર શાલિની અગ્રવાલે રાતોરાત કરી નાખ્યું : દરગાહ અને મંદિર તોડી રસ્તો બનાવી દીધો
તસવીરમાં સુરત મહાનગરપાલિકાનાં નવનિયુક્ત કમિશ્નર શાલીની અગ્રવાલ દ્રશ્યમાન થાય છે

રાત્રીના સમયે પાલિકાએ ડીમોલેશન પૂર્ણ કર્યું.

રાતોરાત રસ્તો પણ તૈયાર કરી દેવાયો.

વર્ષો જૂની રસ્તાની સમસ્યા મનપા કમિશ્નર શાલિની અગ્રવાલે રાતોરાત દૂર કરી દીધી.

બે દરગાહ અને એક મસ્જિદ નું કરાયું ડીમોલેશન

અત્યંત સંવેદનશીલ કામગીરી હોઈ ફોટો વાયરલ  ના થાય તે માટે અધિકારી-કર્મચારીઓના મોબાઈલ પણ જપ્ત કરી લેવાયા હતા.

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત ( જશવંત પટેલ) : સુરત મહાનગર પાલિકામાં જ્યારથી નવનિયુક્ત કમિશનર શાલીની અગ્રવાલ એ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સુરત મહાનગરપાલિકાના ઘણા સમયથી અટવાયેલા નિર્ણયો ફટાફટ લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામ વર્ષોથી અટવાયેલું હતું એ કામ માત્ર ગણતરીના કલાકોમાં પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું અને વર્ષોથી રસ્તામાં અડચણરૂપ બનેલા ધાર્મિક સ્થાનોને રાતોરાત દૂર કરીને રસ્તો એકદમ ક્લિયર કરી દેવાયો હતો.

 શહેરના રિંગ રોડ પર આવેલી બે દરગાહ અને એક માતાજીના મંદિરનું મહાનગર પાલિકા દ્વારા રાતોરાત ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે . દાયકાઓ જૂનાં આ ધર્મસ્થાનો રિંગ રોડ પર ટ્રાફિકમાં અડચણરૂપ સાબિત થતાં હતાં. ત્યારે  ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ઘણા સમયથી બે દરગાહ અને એક મંદિરને કારણે છાશવારે અકસ્માતથી માંડીને ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી . જો કે , ધાર્મિક આસ્થાના કેન્દ્રસમાન દરગાહ અને મંદિરનાં ડિમોલિશન માટે અંતે મહાનગર પાલિકા દ્વારા મક્કમ મને નિર્ણય લેવામાં આવ્યો હતો અને ગઇકાલે મોડી રાત્રે આ ત્રણેય ધર્મસ્થાનોના ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી .

ગોલ્ડન પોઈન્ટ પાસે ફ્લાયઓવર બ્રિજને અડીને આવેલા મહાકાળી માતાના મંદિર તથા એપીએમસી જૂના ફૂલબજાર સામે આવેલી દરગાહ સહિત વણકર સંઘ સામે આવેલી દરગાહના ડિમોલિશન ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી જ કવાયત શરૂ કરી દેવામાં આવી હતી .આ દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર રિંગ રોડ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અલબત્ત , ધાર્મિક સ્થળોનાં ડિમોલિશનને પગલે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેની સેન્ટ્રલ ઝોન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી . હતી . મળસકે ચાર વાગ્યા સુધી આ ત્રણેય ધર્મસ્થળોનાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થયા બાદ મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો હતો .

એક હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત

રિંગ રોડ પર આવેલી બે દરગાહ અને મહાકાળી માતાજીના મંદિરના ડિમોલિશનની કામગીરી અત્યંત સંવેદનશીલ હોવાને કારણે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી . રાત્રે લગભગ 11 વાગ્યાથી જ સમગ્ર રિંગ રોડ વિસ્તારમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો . એક અંદાજ મુજબ રિંગ રોડ પર ગોલ્ડન પોઈન્ટથી માંડીને કિન્નરી ટોકીઝ સુધીના તમામ પોઈન્ટ પર બેરિકેડ સાથે એક હજાર પોલીસ જવાનોના બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો . અલબત્ત , પાંચેક કલાક સુધી ચાલેલી ડિમોલિશન અને રસ્તો બનાવવાની કામગીરી દરમિયાન આખેઆખો રિંગ રોડ જ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો હતો .