PM મોદીએ સી.આર.પાટીલને કરી હતી મહત્વની તાકીદ, પાટીલે PM મોદી વિશે શુ કહ્યું ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ જ્યારથી પાર્ટીના અધ્યક્ષ બન્યા ત્યારથી તેઓ સતત સંગઠનને મજબૂત કરવામાં જ વ્યસ્ત રહે છે. જોકે તેમના નેતૃત્વ બાદ ગુજરાતમાં ભાજપનું સંગઠન દિન પ્રતિદિન મજબૂત બનતું જાય છે.પરંતુ સતત સંગઠન અને સરકાર વચ્ચે એકસૂત્રતા જાળવી રાખી સી આર પાટીલ સતત ક્રિયાશીલ રહ્યા છે. જેને લઈને છેલ્લા કેટલાક સમયથી આરામ ન મળવાને કારણે તેમજ શરીરનું વજન વધી જવાને કારણે તેઓ થાક અને નબળાઈ અનુભવી રહ્યા હતા.
જોકે અગાઉ સી.આર પાટીલ પણ કોરોના ગ્રસ્ત બની ચૂક્યા હતા છતાં પણ સ્વસ્થ થઈને તેમણે સંગઠન અને પક્ષના પ્રચારમાં ઝંપલાવ્યું હતું. ત્યારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમનો આ થાક સ્પષ્ટપણે દેખાઈ આવ્યો હતો. જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સી આર પાટીલને એક તાકીદ કરાઈ હતી. જેને લઈને સીઆર પાટીલે મોદીજીનો આભાર માનતાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે,
" આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ વિશેષ ચિંતા કરે છે, જેનો એક અનુભવ મને પણ થયો.
વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો જે માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ)માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી. આજે દસ દિવસ પછી નેચરોપથીની સારવાર લઈને 6 કિલો વજન ઓછું કરી વધુ તાજગી અને સ્ફૂર્તિ મેળવી આપ સૌ કાર્યકર્તાઓ સાથે કાર્યમાં જોડાયો છું.
અનેક કાર્યકર્તાઓ, શુભેચ્છકોએ ટેલિફોનિક શુભેચ્છા પાઠવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નેચરોથેરાપીના નિયમો અને શિડયુલના કારણે વાત ના કરી શકયો એ માટે દિલગીર છું અને આપની લાગણી, શુભેચ્છાઓ માટે આભારી છું. વિશેષ રૂપે મારા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.
આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો આપવામાં આવ્યો છે અને જેમાં નેચરોથેરાપીની 71 પ્રકારની સારવાર કરવામાં આવે છે અને દરરોજ 3000થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે સાહેબને અભિનંદન."