સુરત : આમ આદમી પાર્ટીના નગર સેવકો વચ્ચે આ બાબતે જામી હવે જોરદાર સ્પર્ધા , કોને થઈ રહ્યો છે મોટો ફાયદો ?
આમ આદમી પાર્ટીના નગરસેવકો અને કાર્યકરો દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓ ની કરવામાં આવી રહી છે સારવાર.
અરવિંદ કેજરીવાલના સૈનિકો અન્ય રાજકીય પક્ષો માટે પણ બની રહ્યા છે સેવા ની મિશાલ.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : સામાન્ય રીતે આપણને અવારનવાર એવું સાંભળવા મળતું હોય છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ટિકિટ મેળવવા માટે નેતાઓમાં જબરજસ્ત હરીફાઈ જામતી હોય છે, ગળાકાપ સ્પર્ધા રહેતી હોય છે. ક્યાંક મંત્રીમંડળમાં મંત્રી બનવા માટે પણ જીતેલા ઉમેદવારોમાં સ્પર્ધા જામતી હોય છે. પણ ચૂંટણી જીત્યા પછી લોકસેવા કરવા માટે વિજેતા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામતી હોય એવું તમે કદાચ ભાગ્યે જ સાંભળ્યું હશે. પરંતુ કોરોના ના આવા કપરા કાળમાં જોવા મળેલી સત્ય હકીકત એ છે કે સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીતેલા આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો વચ્ચે લોક સેવા કરવા માટે રીતસરની તંદુરસ્ત હરીફાઈ જામી રહી છે.
આપને જણાવી દઇએ કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 27 નગરસેવકો નો ભવ્ય વિજય થયો હતો.વિજેતા બનેલા આ ઉમેદવારોએ બીજા દિવસથી જ પોતે જે વોર્ડમાંથી જીત્યા હતા એ વોર્ડના નગરજનો વચ્ચે જઈને એમણે લોકસેવાના કાર્યો શરૂ કર્યા હતા. કોરોના ની કપરી પરિસ્થિતિમાં આપના નગર સેવકોએ લોકોને ઘરે ઘરે જઈને કોરોના થી બચવા માટેના સુચનો કર્યા હતા. એટલું જ નહીં પરંતુ લોકોના ઓક્સિજન લેવલ પણ પણ માપ્યા હતા.
જોકે ચૂંટણી પૂરી થયાના થોડાક જ સમય બાદ કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સુરતમાં ગંભીર પરિસ્થિતિ પેદા થઇ હતી. હોસ્પિટલમાં બેડ નો અભાવ હતો, જીવન રક્ષક ગણાતા ઓક્સિજનનો ઉપલબ્ધ થઇ રહ્યા ન હતા, તો વળી ઓક્સિજનના અભાવે લોકો મોતને ભેટી રહ્યા હતા ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં આમ આદમી પાર્ટીના નગરસેવકોએ પોતાના દરેક વોર્ડમાં કોવિડ કેર ઓક્સિજનયુક્ત isolation સેન્ટર શરૂ કર્યા જે અન્ય રાજકીય પક્ષો માટે પણ એક પ્રેરણા ની મિશાલ બની ગયા.
એટલું જ નહીં પરંતુ આ કોવિડ કેર ઓક્સિજનયુક્ત isolation સેન્ટરમાં નગરસેવકો ખુદ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા કરતા નજરે પડ્યા. જોકે 27 નગર સેવકો દ્વારા નાના વરાછા, યોગીચોક, મુરઘા કેન્દ્ર, ઉતરાણ, હીરાબાગ, કતારગામ અને કામરેજ એમ જુદા જુદા સાત સ્થળો પર સામાજિક સંસ્થાઓના સહયોગથી કુલ મળી 200 જેટલા covid કેર ઓક્સિજનયુક્ત બેડની વ્યવસ્થા વાળા isolation સેન્ટરો શરૂ કર્યા.
આ દરેક isolation સેન્ટરમાં નગર સેવકો દ્વારા દાખલ થયેલા કોરોના ગ્રસ્ત દર્દીઓ ને વધુમાં વધુ સારી અને ઉત્તમ સારવાર આપવા માટે અને ઝડપથી દર્દીઓ સાજા થઇ અને પોતાના પરિવારજનોની વચ્ચે જાય તે માટે સારવારની જુદી જુદી પદ્ધતિઓ અજમાવવાની તંદુરસ્ત સ્પર્ધા જામી છે. સતત ૨૪ કલાક કોરોના ગ્રસ્ત દર્દીઓ ની સાર સંભાળ માં અને તેમની કાળજી રાખવા માટે આ નગર સેવકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો રાત-દિવસ એક કરી રહ્યા છે.
પ્રત્યક્ષ જોવા મળેલી સ્થિતિ નું વર્ણન કરીએ તો આ covid કેર isolation સેન્ટરોમાં દર્દીઓને ડૉક્ટર અને નર્સો દ્વારા પરિવારના એક સભ્ય બનીને પ્રેમ અને હૂમ્ફ પૂર્વક સારવાર આપવામાં આવી રહી છે. જોકે isolation સેન્ટરોમાં સારવાર મેળવતા દર્દીઓ જણાવે છે કે ઉત્તમ સુવિધા યુક્ત હોસ્પિટલો કરતા પણ તેઓને isolation સેન્ટરમાં સારી સારવાર પ્રાપ્ત થઇ રહી છે. જેને પરિણામે દર્દીઓ ઝડપથી સાજા થઈને પોતાના પરિવારજનોની વચ્ચે જઈ રહ્યા છે.આ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે આ નગર સેવકો કોઈપણ પ્રકારના લોભ લાલચ વિના પોતાની પ્રથમ ફરજ સમજીને દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે એમ કહી શકાય કે આમ આદમી પાર્ટીના નગરસેવકો સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદના 'જનસેવા એ જ પ્રભુસેવા' ના સુત્ર ને સાકાર કરી રહ્યા છે.