ઊંઝા : નાસ્તાના શોખીનો ચેતી જજો : પાલિકાએ નાસ્તા સેન્ટર ને ફટકાર્યો 15 હજારનો દંડ !

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા શહેરમાં આવેલા એક જાણીતા નાસ્તા સેન્ટર પર પીવાના પાણીમાં કચરો હોવાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને લઈને સમગ્ર મામલો નગરપાલિકા સુધી પહોંચતા નગરપાલિકા દ્વારા આ જાણીતા નાસ્તા સેન્ટરને નગરપાલિકા દ્વારા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની માહિતી નગરપાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમય અગાઉ ઊંઝામાં આવેલ એક જાણીતા નાસ્તા સેન્ટર ઉપર નાસ્તો કરવા માટે આવેલા એક ગ્રાહક દ્વારા પીવાના પાણી માં કચરો હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઈને આ કચરા યુક્ત પાણીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો મામલો નગરપાલિકાના ધ્યાનમાં આવ્યો હતો ત્યારે નગરપાલિકા દ્વારા આ નાસ્તા સેન્ટરને 15,000 નો દંડ ફટકારવામાં આવ્યો હોવાની માહિતી પાલિકાના આરોગ્ય વિભાગના વર્તુળોએ આપી છે.
જોકે ઊંઝામાં અનેક નાસ્તા સેન્ટરો આવેલા છે ત્યારે આ નાસ્તા સેન્ટરો ઉપર ખાવાની ચીજ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી ગુણવત્તાયુક્ત હોય છે ? તદુપરાંત સ્વચ્છતાની બાબતમાં આ નાસ્તા સેન્ટરો ઉપર કેટલી કાળજી લેવામાં આવે છે ? આ સમગ્ર મુદ્દે પાલિકા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાય એવી લોક માંગ ઉઠી છે.