મેડિકલ કોલેજોમાં પી.જી.ની ખાલી બેઠકો ભરવા ન્યૂનત્તમ પર્સેન્ટાઇલની બાદબાકી

મેડિકલ કોલેજોમાં પી.જી.ની ખાલી બેઠકો ભરવા ન્યૂનત્તમ પર્સેન્ટાઇલની બાદબાકી

નીટ પી.જી. કાઉન્સેલિંગના ત્રીજા તબક્કામાં કમિટીનો મહત્ત્વનો નિર્ણય

તમામ કેટેગરીમાં પર્સેન્ટાઇલનો માપદંડ ઘટાડી 'ઝીરો' કરવામાં આવ્યો

ખાનગી કોલેજોમાં ઓલ ઇન્ડિયા ક્વોટાની પી.જી.ની બેઠકો ખાલી

Mnf network : દેશભરની મેડિકલ કોલેજોમાં હાલમાં પી.જી.(અનુસ્નાતક) અભ્યાસક્રમોની બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન પી.જી.કાઉન્સેલિંગના ત્રીજા તબક્કામાં ન્યૂનત્તમ પર્સેન્ટાઇલનું માપદંડ કાઢી નાંખવાનો નિર્ણય કરાયો હોય વિદ્યાર્થી, વાલી, કોલેજ વર્તુળમાં સળવળાટ જોવા મળ્યો છે. તમામ કેટેગરીમાં પર્સેન્ટાઇલનો માપદંડ ઘટાડી 'ઝીરો' કરવામાં આવ્યો હોઈ હવે નીટ પી.જી. પરીક્ષામાં ઝીરો ગુણ આવ્યા હશે તે ઉમેદવાર પણ પ્રવેશ માટે લાયક ગણાશે. અનેક ખાનગી કોલેજોમાં ઓલ ઇન્ડિયા ક્વોટાની પી.જી.ની બેઠકો ખાલી પડી હોય મેડિકલ કાઉન્સેલિંગ કમિટીએ આ નિર્ણય લીધો હોવાનો ગણગણાટ શરૂ થયો છે. 

ગુજરાતની મેડિકલ કોલેજો, અધ્યાપકો અને વિદ્યાર્થી વર્તુળમાં બુધવારે મેડિકલ કાઉન્સેલિંગ કમિટીનો પરિપત્ર ફરતો થયો હતો, નીટ પી.જી. કાઉન્સેલિંગ-2023 અંતર્ગત મેડિકલ, ડેન્ટલના પી.જી. અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ન્યૂનત્તમ પર્સેન્ટાઇલનું માપદંડ તમામ કેટેગરીમાં 'ઝીરો' કરી દેવાયું છે. જે અંતર્ગત નવી નોંધણી અને રાઉન્ડ-3 માટેની ચોઇઝ ફીલિંગનો વિકલ્પ ફરી શરૂ થશે. જે ઉમેદવારોએ નવી નોંધણી કરાવી હોય તેઓ કાઉન્સેલિંગના રાઉન્ડ-3માં ભાગ લઇ શકશે. રાઉન્ડ-3નું નવું શિડયૂલ મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની વેબસાઇટ પર ટૂંકમાં જાહેર કરાશે. સુ

કોલેજ વર્તુળમાં થયેલા ગણગણાટ મુજબ, કમિટીના નિર્ણયને કારણે કથિત એજન્ટ પ્રથા નાબૂદ થશે. વિદ્યાર્થીઓને નીટ પી.જી.માં પ્રવેશ માટે કેટલાક એજન્ટો દ્વારા લોભામણી વાતો કરીને લાલચ આપવામાં આવે છે. હવે નીટ પી.જી.માં પર્સેન્ટાઇલનું માપદંડ ઝીરો થઇ જતાં કોઇ પણ વિદ્યાર્થી પ્રવેશ માટે દાવેદારી કરી શકશે. બીજીબાજુએ ઇજનેરી કોલેજોમાં ખાલી બેઠકોને જોતાં છેલ્લા તબક્કામાં જેઇઇ, ગુજકેટ પરીક્ષા ન આપી હોય તો પણ કોલેજકક્ષાએ પ્રવેશની સત્તા આપવામાં આવે છે. મેડિકલ કોલેજોની પી.જી.ની ખાલી બેઠકો ભરવા માટે પણ આ જ પ્રકારે કાર્યવાહી થઇ હોવાનો મત અપાઇ રહ્યો છે. 

સુરતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના અધ્યાપકના જણાવ્યા મુજબ, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી સાથે જ ઓલ ઇન્ડિયા ક્વોટાની પી.જી.ની ખાલી બેઠકોની યાદી જાહેર કરાઇ છે. દેશભરની મેડિકલ કોલેજોમાં પી.જી.ની 13245 બેઠક ખાલી રહી હોવાનું નોંધાયું છે.