ઊંઝાના ધારાસભ્ય સ્વ.ડો. આશાબેન પટેલ નું આ સ્વપ્ન આરોગ્ય મંત્રી પૂરું નથી કરી શક્યા, ઉગ્ર રોષ
પેટા આરોગ્ય કેન્દ્ર માટે તત્કાલીન ધારાસભ્ય ડો.આશાબેન પટેલે ભારપૂર્વક આરોગ્ય મંત્રીને કરી હતી રજૂઆત.
તત્કાલીન ધારાસભ્ય ડો. આશાબેન પટેલના નિધન બાદ આરોગ્ય મંત્રીએ ગામ લોકોની માગણી પ્રત્યે આંખ આડા કાન કરતાં ગ્રામ લોકોમાં આક્રોશ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ વિસનગરના ધારાસભ્ય છે અને કહોડા-જગન્નાથપુરા ગામ તેમનું હોમ ટાઉન છે. ઋષિકેશ પટેલે ભલે અનેક આરોગ્ય લક્ષી કાર્યો અન્ય વિસ્તારોમાં કદાચ કર્યા હશે પરંતુ પોતાના વિસ્તારમાં જ આરોગ્ય લક્ષી સેવાઓને લઈને તેમના વતનના લોકોમાં આરોગ્ય મંત્રી સામે ક્યાંક ને ક્યાંક છૂપો આક્રોશ હોવાનું જાણવા મળ્યું છે.
જેના પાછળનું કારણ એવું છે કે 11 મહિના પહેલા ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામે એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ઊંઝા ના તત્કાલીન ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ ગ્રામના લોકોએ પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા તત્કાલીન ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલ ની હાજરીમાં લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે આરોગ્ય મંત્રીએ તે સમયે પોતાના ભાષણમાં કહ્યું હતું કે 'મોસાળમાં મા પીરસનારી હોય ત્યારે જોવું ન પડે '
જોકે ડો. આશાબેન પટેલ નું પણ સ્વપ્ન હતું કે જગન્નાથપુરાને પેટા આરોગ્ય કેન્દ્ર પ્રાપ્ત થાય. પરંતુ ' ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે 'એમ એકાએક ડો. આશાબેન પટેલે આ ફાની દુનિયામાંથી એકાએક વિદાય લઈ લેતા જગન્નાથ પુરા ગામના લોકોની પેટા આરોગ્ય કેન્દ્રની માંગણી આરોગ્ય મંત્રીએ અભરાઈએ ચઢાવી દીધી હોય એમ ચર્ચાઈ રહ્યું છે.