સુરત : કતારગામ વિધાનસભા AAP ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના બેનરો કોણે ફાડયા ? વીડિયો વાયરલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના) : સમગ્ર ગુજરાતમાં શિયાની ઠંડીની જેમ ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જમવા લાગ્યો છે ત્યારે સુરતમાં કતારગામ વિધાનસભા વિસ્તાર માં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા મેદાનમાં છે તો ભાજપના વિનું મોરડીયાને ભાજપે રિપીટ કર્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા સુરતની કતારગામ વિધાનસભા વિસ્તારમાં જોર શોર થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ સભાઓ જન મેદની થી ખીચો ખીચ ભરાઈ રહી છે.ત્યારે તાજેતરમાં સુરતના કતારગામ વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના સાયકલ બેનર ફાડી નાખવામાં આવ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં કેટલાક શખ્સ ગોપાલ ઇટાલીયાના સાયકલ પરના બેનરો ફાડી રહ્યા હોવાનું સ્પષ્ટ પણે દેખાય છે.તો બીજી બાજુ ગોપાલ ઇટાલીયા એ સોશિયલ મીડિયામાં આ ફાટેલા બેનરવાળી સાઇકલોના ફોટા અપલોડ કરીને બેનર ફાડવા પાછળ ભાજપનું કારસ્તાન હોવાનો સીધો આક્ષેપ કરતા રાજકારણ ગરમાયુ છે. બેનરો ફાડવા પાછળ ગોપાલ ઇટાલીયા એ ભાજપના ઉમેદવાર વિનુ મરડિયા સામે નિશાન તાક્યું છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ બેનર યુદ્ધ કોને કેટલું ફળશે ?