વારાણસીમાં શિવની થીમ પર બનશે સ્ટેડિયમ
Mnf network: ભગવાન શિવના શહેર વારાણસીમાં તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ભોલેનાથની ઝલક જોવા મળશે. સ્ટેડિયમના ડોમમાં ડમરુ, ફ્લડ-લાઇટમાં ત્રિશૂળ અને પ્રવેશદ્વારમાં બિલિપત્ર જેવો આકાર જોવા મળશે. વળી સમગ્ર સ્ટેડિયમની ડિઝાઇન અર્ધ-ચંદ્રાકાર જેવી હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ સપ્ટેમ્બરે વારાણસીના પ્રવાસ દરમ્યાન આ સ્ટેડિયમનું ભૂમિપૂજન કરશે.
ગંજારી-રાજાતાલાબમાં બનનારા આ સ્ટેડિયમમાં ૩૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ક્રિકેટ-સ્ટેડિયમ ૩૦.૬ એકરમાં ફેલાયેલું હશે, જેની ક્ષમતા ૩૦,૦૦૦ દર્શકોની હશે. એમાં સાત પિચ હશે.
મહિલા હૉકી ટીમ ચીન જવા રવાના
ચીનના હાંગઝાઉ રવાના થતા પહેલા ભારતીય મહિલા હૉકી ટીમના કૅપ્ટન સવિતાએ આશા વ્યકત કરી હતી કે એશિયન ગેમ્સમાં ટીમ સારુ પ્રદર્શન કરશે. તેમજ વર્લ્ડ કપ માટે ક્વૉલીફાય થશે. ભારતનો પુલ-એ માં સમાવેશ કરાયો છે.
૧૦૦ ગોલ કરીને મેસી અને રોનાલ્ડોની ક્લબમાં જોડાયો લેવાંડોસ્કી
બાર્સેલોનાનો ફુટબૉલ ખેલાડી રૉબર્ટ લેવાંડોસ્કી યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન (યુઈએફએ) સ્પર્ધામાં ૧૦૦ ગોલ કરનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસીની ક્લબમાં જોડાયો હતો. તાજેતરમાં બાર્સેલોનાએ એન્ટવર્પ સામે ૫-૦થી મેળવેલા વિજયમાં તેણે પણ ફાળો આપ્યો હતો. પોલૅન્ડના આ ખેલાડીએ યુઈએફએ ચૅમ્પિયન્સ લીગમાં ૯૨ ગોલ અને યુઈએફએ યુરોપા લીગમાં ૮ ગોલ કર્યા છે. આ ક્લબમાં સૌથી વધુ ૧૪૧ ગોલ રોનાલ્ડોના છે તો મેસીએ ૧૨૯ ગોલ કર્યા છે.