ઉંઝા ભાજપમાં જૂથબંધી : '19 માં ડો.આશાબેન પટેલને હરાવવા નીકળેલા '22માં કે કે પટેલને જીતાડવા મેદાને પડ્યા !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ઊંઝાને ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર માનવામાં આવે છે.હાલમાં 2022 ની ચૂંટણીમાં ઊંઝામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીયો જંગ જામ્યો છે.જેમાં ઊંઝા ભાજપમાં 2017,2019 અને 2022 ની સ્થિતિનું આંકલન કરવામાં આવે તો કહી શકાયકે ભાજપમાં ક્યાંક ને ક્યાંક જૂથબંધી છે જેની પરિણામો પર કેવી અસર રહેશે એ તો આવનાર સમય જ બતાવશે.
ભાજપના ગઢમાં કોણે પાડ્યું ગાબડું?
વર્ષોથી ઊંઝા ભાજપનું ગઢ રહ્યું છે પણ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. આશાબેન પટેલે ભાજપના દિગજજ નેતા એવા નારણ પટેલને હરાવીને ‘ઊંઝા ભાજપના ગઢ’ માં ગાબડું પાડી નારી શક્તિનો પરિચય આપ્યો હતો.પોતાના ધારાસભ્યના કાર્યકાળમાં ભાજપ સામે બાથ ભીડાવી શહેર તેમજ વિધાનસભા વિસ્તારના વિકાસ કાર્યોને વેગ આપ્યો.
2019 માં યોજાઈ પેટા ચૂંટણી
પણ માત્ર બે વર્ષના કાર્યકાળમાં જ પક્ષની કેટલીક આંતરિક બાબતોની ખેંચતાણ થી રંજ આવી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયાં. જો કે ઊંઝા બેઠક ખાલી થતા અહીં 2019 માં પેટા ચૂંટણી યોજાઈ જેમાં ભાજપે પણ 2017 મા ભાજપની ચૂંટણી હારેલ નારણ પટેલને બદલે ડો.આશાબેન પટેલને ટીકીટ આપી હતી.
ભાજપને હરાવવા ભાજપ જ મેદાનમાં?
2019 ની પેટા ચૂંટણીમાં ભાજપની ટીકીટ મેળવી નારણ પટેલનું પત્તુ કાપનાર ડો.આશાબેન પટેલને પોતાના જ પક્ષના તેમનાથી નારાજ ભાજપના નેતાઓનો સામનો કરવો પડ્યો હતો.કારણ કે 2017 માં હારનો કડવો ઘૂંટડો પીનાર નારણ પટેલ અને તેમના સમર્થકો 2019 માં ડો.આશાબેન પટેલના પ્રચાર કાર્યથી અળગા રહ્યા એટલું જ નહીં પણ ડો. આશા પટેલ સામે કોંગ્રેસ માંથી ચૂંટણી લડનારા ‘કામું પટેલ’ને જીતાડવા માટે સાયલન્ટ મોડમાં સક્રિય બન્યા હોવાનું મનાય છે.
ભાજપનું એક જૂથ સત્તા કેન્દ્રની બહાર
જો કે 2019 માં પણ ડો.આશા પટેલે જીત મેળવી પોતાના જ પક્ષના પોતાના વિરોધીઓને મોટો ઝટકો આપી દીધો હતો.જો કે ઊંઝા ભાજપ પહેલી વાર બે જૂથમાં વહેંચાઈ ગયું.જેમાં એક નારણ પટેલ જૂથ અને બીજું ડો.આશા પટેલ જૂથ.આ બંને જૂથો વચ્ચે રાજકીય શીતયુદ્ધ શરૂ થયું.તો બીજી બાજુ નારણ પટેલ જૂથ પાસેથી APMC પણ ચાલ્યું જતાં હવે નારણ પટેલ જૂથ ક્યાક ને ક્યાંક સત્તા ના કેન્દ્ર માંથી બહાર નીકળી ગયું હતું.
ભાજપનાં MLA ડો.આશાબેન પટેલનું નિધન
પણ કોરોના કાળમાં લોકોની સેવા કરતા કરતા છેવટે ડો.આશાબેન પટેલે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી.ભલે આશા પટેલ ન રહ્યા પણ તેમને તેમના ધારાસભ્યના કાર્યકાળમાં જે વિકાસ કાર્યો કર્યા એની સુવાસે આજે પણ લોકોના દિલમાં તેમને જીવંત રાખ્યાં છે.
2022 માં કે કે પટેલને ટીકીટ મળતા એન.એલ.પટેલ ગ્રૂપ થયું સક્રિય
ડો.આશાબેન પટેલની ચીર વિદાય બાદ છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી ઊંઝા વિધાનસભાની સીટ પર 2022 માં ભાજપે કિરીટ પટેલને ટીકીટ આપી.જો કે અનેક દિગજ્જ નેતાઓને સાઈડ કરી કિરીટ પટેલને ટીકીટ મળી. જો કે, કે કે પટેલના પ્રચારમાં નારણ પટેલ અને તેમનું જૂથ એકવાર ફરી સક્રિય બન્યું છે.2019 માં આઉટ થયેલ 2022 માં ઇન થતાં કાર્યકરોમાં ચણભણાટ શરૂ થયો છે.
APMC ના પૂર્વ અને વર્તમાન વાઇસ ચેરમેનો ની ભૂમિકા વિવાદાસ્પદ
2022 માં કે કે પટેલના પ્રચારમાં સક્રિય બનેલ APMC ના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને પૂર્વ વાઇસ ચેરમેન ડાહ્યાલાલ એમ પટેલ પણ 2019 માં ડો.આશાબેન પટેલના પ્રચારમાં નિષ્ક્રિય રહ્યા હતા.પોતાની જાતને ભાજપના કાર્યકર કહેનાર આ બંને દિગજજો 2019 માં શુ ભાજપમાં ન હતા? કેમ કોંગ્રેસના ઉમેદવાર જીતે એવું ઇચ્છતા હતા ? આ તે કેવી પક્ષ સાથેની વફાદારી ? એવા અનેક સવાલો કાર્યકરોને અંદરો અંદર મૂંઝવી રહ્યા છે.